દુષ્કર્મનો બદલો લેવા ફાયરિંગ:પતિએ બળાત્કાર કરનાર શખસ અને તેના ભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડીમાં 2 વર્ષ પહેલાં પત્ની પર કરાયેલા દુષ્કર્મનો બદલો લેવા ફાયરિંગ

લીંબડી ફિદાઈબાગ વિસ્તારમાં 2 વર્ષ પહેલાં 3 સંતાનની માતા ઉપર પાડોશી શખસે 2 વખત દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કરનાર શખસ જામીન પર બહાર આવીને ભોગ બનનાર મહિલાના ઘરની બાજુમાં અવર-જવર કરતો હતો. જે વાત તેના પતિને પસંદ નહોતી. પત્ની ઉપર દુષ્કર્મ ગુજારનાર શખસ અને તેના ભાઈ પર પતિએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા ઘવાયેલા ભાઈઓને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા હતા. પોલીસે સતર્કતા દાખવી ગોળીબાર કરનાર શખસને હથિયાર સાથે ઝડપી પાડયો હતો.

2020માં લીંબડી શહેરના ફિદાઈબાગ વિસ્તારની રહેમતબાગ સોસાયટીમાં રહેતી 3 બાળકોની માતા એકલી હતી ત્યારે તેમની પડોશમાં રહેતો નવરોઝ અમિનભાઈ બગસરીયા રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ગયો હતો. બાળકોને મારી નાખવાની ધમકી આપી છરીની અણીએ મહિલા ઉપર દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મની ઘટના બહાર નહીં આવતા હવસખોર નવરોઝની હિંમત વધી ગઈ. થોડા દિવસો બાદ મહિલા ઉપર ફરીવાર દુષ્કર્મ આચર્યું. 2 વખત દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ આ અંગે પતિને જાણ કરી.

પતિ નુરૂદીન બદરૂદીન કાનાણીએ હિંમત આપતા મહિલાએ નવરોઝ સામે ફરિયાદ નોંધાવી હતી. લીંબડી કોર્ટમાં દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો છે. નવરોઝને જામીન પર છૂટકારો આપવામાં આવ્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ નવરોઝ મહિલાના ઘરની પાસે અવરજવર કરતો રહેતો હતો.

આ બાબત મહિલાના પતિ નુરૂદીન કાનાણીને ખટકતી હતી. મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર નવરોઝ લીંબડી હાઈવે પર ભલગામડા રોડ નજીક આવ્યો ત્યારે નુરૂદીને તેના ઉપર ફાયરિંગ કર્યું હતું. નવરોઝના હાથમાં ગોળી વાગી હતી. ગોળી વાગ્યા પછી નવરોઝ ખુરશી પાછળ સંતાવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે નુરૂદીને તેના ઉપર બીજો રાઉન્ડ ફાયરિંગ કર્યું પણ તે મિસ ફાયર થયું હતું. ગોળીનો અવાજ સાંભળી લોકોના ટોળા ભેગા થઈ ગયા. લોકોને જોઈ નુરૂદીન ભાગી ગયો. નવરોઝને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

નુરૂદીન રહેમતબાગ સોસાયટીમાં પહોંચીને નવરોઝના ભાઈ નૌશાદ ઉપર ફાયરિંગ કર્યું. નૌશાદના હાથમાં ગોળી વાગતાં તેને પણ સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે જાણ થતાં ડીવાયએસપી સી.પી.મુંધવા, પીએસઆઈ એન.એચ.કુરેશી સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નુરૂદીન કાનાણીને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. આજે રિમાન્ડ માટે લીંબડી કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...