લીંબડી તાલુકાના નટવરગઢ ગામનો પરષોતમ ચતુરભાઈ કાલીયા વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ કરતો હોવાની ફરિયાદને પગલે મામલતદાર જે.આર.ગોહેલે તપાસ કરી હતી.
તપાસમાં સસ્તા અનાજનો દુકાનદાર પરષોતમ કાલીયા ફ્રી કુપનના રૂ.10 લઈ કાઢી આપતો, લોકોને નિયમ કરતા અનાજનો જથ્થો ઓછો, મનફાવે ત્યારે દુકાન ખોલતો, વધુ જથ્થો સહિત ક્ષતિ ધ્યાને આવતા મામલતદારે અનાજ સહિત રાશનનો જથ્થો અને દુકાન સિલ કરી દીધી હતી. રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને સોંપી દીધો હતો. ડીએસઓ ભાવનાબા ઝાલાએ નટવરગઢ ગામે રેશનિંગની દુકાનમાં ગેરરીતિ આચરનાર પરષોતમ કાલીયાનું 90 દિવસ માટે લાઈસન્સ રદ્દ કરી દીધું છે.
નટવરગઢ ગામના રાશન કાર્ડ ધારકોને અનાજ સહિતનો રાશન જથ્થો લેવા માટે ઘાઘરેટીયા ગામની રેશનિંગની દુકાનમાં લેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 3 મહિના સુધી નટવરગઢના ગ્રામજનોને 3 કિમી દૂર ઘાઘરેટીયા ગામે રાશન લેવા ધક્કા ખાવા પડશે. ગેરરીતિ કરનાર દુકાનદાર પરષોતમ કાલીયાના પાપની સજા નટવરગઢ ગામના 3500થી વધુ લોકોને ભોગવી પડશે. પાડાનાં વાંકે પખાલીને ડામ જેવો ઘાટ નટવરગઢ ગામે જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.