લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે હિસાબનીશ તરીકે ફરજ બજાવતા કર્મીને ચાલુ ફરજે નિવૃત્ત આર્મી મેને માર મારતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે તા.પંચાયતના કર્મીએ નિવૃત્ત આર્મી મેન વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
લીંબડી શક્તિ સોસાયટીમાં રહેતા અને તાલુકા પંચાયત કચેરીમાં આઈઆરડી (હિસાબી) શાખામાં નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે નિત્યક્રમ મુજબ હું તાલુકા પંચાયત કચેરી ખાતે મારા ટેબલ પર ફરજ બજાવી રહ્યો હતો.
ત્યારે મુળ ભોયકા ગામના હાલ રહે. મોટા મંદિર પાસે રહેતા અને અમારી કચેરીમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મી મેન વિરભદ્રસિંહ નરપતસિંહ રાણા અમારી પાસે ધસી આવ્યા હતા. તા.પંચાયત કચેરીના સ્ટાફ સાથે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા. જેમ ફાવે તેમ અપશબ્દો બોલી રહ્યા હતા.
મારી પાસે આવી તું રાજીનામુ આપી અહીંથી જતો રહે, અત્યારે જ તારું કામ બંધ કરી દે તેવી મને ધમકી આપી હતી. મેં તેમને અપશબ્દો બોલવાની ના પાડી તો તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. બાજુમાં પડેલી ખુરશીનો છુટ્ટો ઘા મને માર્યો હતો. મારી સાથે ઝપાઝપી કરી, ઢીકાપાટુ વડે માર મારી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી.
બુમાબુમ થતા સ્ટાફ મિત્રો દોડી આવ્યા હતા અને મને વધુ મારથી બચાવી લીધો હતો. મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લીંબડી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી વચ્ચે મારામારી થયાના સમાચાર પંથકમાં ફેલાતા લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.