લીંબડી તાલુકાના ઉઘલ, વઢવાણ તાલુકાના બલદાણા અને ચુડા તાલુકાના મોરવાડ ગામના ભોગાવા નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બનીને રેતી ચોરી કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. રેતી ચોરીને કારણે કુવા અને બોરના તળ ઊંડા ઉતરી ગયા છે.
જેના કારણે ખેડૂતો પાકને પુરતા પ્રમાણમાં પિયત આપી શકતા નથી. રેત માફિયાઓ રેતી ચોરવા માટે નદીમાં રહેલા ચેક ડેમને પણ નુકસાન પહોંચાડી રહ્યાની રાવ ઉઠવા પામી છે. રેત માફિયાઓ પોતાની તિજોરી ભરવા માટે જગતના તાતના પેટામાં પાટુ મારતાં પણ અચકાતા નથી.
ચુડા તાલુકાના નવી મોરવાડ ગામના સરપંચ ભુપતભાઈ માત્રાણિયાએ નદીમાં થતી રેતી ચોરી બંધ કરાવવા મામલતદાર, કલેક્ટર, ખાણ ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રેત માફિયા કોઈનો ડર રાખ્યા વગર રેતી ચોરી કરી રહ્યા છે. સરકારી તિજોરીને કરોડો રૂપિયાની નુકસાની પહોંચાડી રહ્યા છે.
ઓવરલોડ ખનીજ વહન કરીને જતાં વાહનો ગામના રસ્તાઓ પણ તોડી નાખે છે. મામલતદાર, ખાણ ખનીજ વિભાગ સહિત જે તંત્રને રેતી ચોરી અટકાવવાની જવાબદારી સોંપાઈ છે તેઓ આંખે પાટા બાંધી તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
રોજના 100થી વધુ ડમ્પરો, ટ્રક, ટ્રેકટર સહિતના વાહનોમાં રેતી ચોરી થઈ રહી છે છતાંય તંત્રના ધ્યાને નથી આવતું તે સમજવા બહાર છે. રેત માફિયાઓને ડામવા માટે અધિકારીઓને કઈ મજબૂરી નડે છે તે સમજાતું નથી. જો જિલ્લાના અધિકારીઓ અમારી રજૂઆતો ઉપર ધ્યાન નહીં આપે તો ગૃહ સુધી ફરિયાદ કરવા જવું પડશે બાકી રેતી ચોરી બંધ નહીં થાય ત્યાં સુધી અમે લડતા રહીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.