ફરિયાદ:લીંબડીમાં મોડી રાત્રે પાણીનું વિતરણ થતાં જળનો બગાડ થતો હોવાની રાવ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાત્રે વિતરણ થતાં જળનો વ્યય થતો હોવાની રાવ. - Divya Bhaskar
રાત્રે વિતરણ થતાં જળનો વ્યય થતો હોવાની રાવ.
  • છેવાડામાં પાણી પહોંચતું કરવા લાઈન ચાર્જ કરવી જરૂરી : પાલિકા

લીંબડી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી 7થી 10 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. તેમાં પણ મોડી રાત્રે 12 વાગ્યા પછી પાણી છોડવામાં આવે છે. મોડી રાત્રે પાણી ભરવા માટે શહેરીજનોને ઉજાગરા કરવા પડતા હોવાની રાવ ઊઠી છે. મોડી રાત્રે પાણીનું વિતરણ થતાં જળનો બગાડ વધી ગયો છે. છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તો નજીકના વિસ્તારોમાં પાણીનો વ્યય થતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

મોડી રાત્રે પાણી છોડવાનું કારણ જાણવા માટે દિવ્ય ભાસ્કરે પાણી વિતરણ વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર નગરપાલિકાના કર્મચારી કે.ડી.ચાવડા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે મોડી રાત્રે લાઈન ચાર્જ કરવા પાણી છોડાય છે. વાલ્વના 3-4 આંટા ખોલી છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચતું કરવામાં આવે છે. રાત્રે પાણી છોડવામાં આવે છે ત્યારે નજીકના વિસ્તારોમાં જળ પહોંચી જાય છે.

નજીકના વિસ્તારોના લોકો સમજી વિચારીને પાણીનો ઉપયોગ કરે તો જળનો વ્યય થતો અટકાવી શકાય છે. અને છેવાડાના વિસ્તારોના લોકો સુધી પાણી પહોંચી શકે છે. જો સમજદારી અને જરૂરિયાતપૂર્વક પાણીનો ઉપયોગ થાય તો છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે. લાઈન ચાર્જ કર્યાં બાદ પાણી સવારે 6થી 8 વાગ્યા વચ્ચે વિતરણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...