લીંબડી પાલિકામાં ફરજ બજાવતા રોજમદાર અને કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોએ સતત ત્રીજા દિવસે નોકરીમાં કાયમી કરવાની ઉગ્ર માગ કરી પાલિકા કચેરી ગજવી હતી. પાલિકા કચેરીમાં હાજર નહીં રહેનારા પ્રમુખે અપમાનિત કરી પગાર નહીં આપવાની ધમકી આપી હોવાનો સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો હતો. ન્યાય નહીં મળે તો શુક્રવારથી જ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.લીંબડી પાલિકા દ્વારા 14 સફાઈ કામદારોની ભરતી કરાઈ ત્યારથી જ પાલિકામાં વર્ષોથી કામ કરતા રોજમદારો અને કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોએ તેમને પણ નોકરી કાયમી કરી આપવાની માગ કરી રહ્યા છે.
40થી વધુ સફાઈ કામદારો પાલિકા કચેરી ધસી આવ્યા હતા. કામદારોએ જણાવ્યું હતું કે બપોરે 3 વાગ્યે અમે પાલિકા કચેરીએ આવ્યા છીએ, 5 વાગ્યા તો પણ પ્રમુખ કે સીઓ હાજર નથી. પાલિકા પ્રમુખ બેલાબેનને અમે ફોન કરી અમારી માગો જણાવી તો તેમણે અમને ધમકાવ્યા છે. અમને અભણ અને અબુધ કહ્યા હતા. જો ભણ્યા હોત તો થોડો કચરો ઉપાડતાં હોત તેમ કહી અમને અપમાનિત કર્યાં છે. પગાર નહીં આપવાની ધમકી આપી છે.
મેં અપમાનિત કરી ધમકી આપી નથી
રોજમદાર સફાઈ કામદારોની નોકરી કાયમી કરવાની માગ હું સમજી શકું છું. પરંતુ અત્યારે મારા હાથમાં નથી.કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને કાયમી નોકરી માગવાનો હક નથી. અમે તો કોન્ટ્રાક્ટરને ઓળખી છીએ. વાત રહી અપમાનિત કરી પગાર નહીં આપવાની તો હું એક શિક્ષિકા છું. આવી ભાષાનો પ્રયોગ હું ન કરું. મેં કોઈને અપમાનિત કરી પગાર નહીં આપવાની ધમકી આપી નથી. -બેલાબેન વ્યાસ. પ્રમુખ, નગરપાલિકા લીંબડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.