લીંબડી-વઢવાણ તાલુકાના ભોગાવા નદીમાં રેત માફિયાઓ બેફામ બની રેતી ચોરી કરી રહ્યા છે. મંગળવારે દિવ્ય ભાસ્કરે ઉઘલ- બલદાણા- મોરવાડની નદીમાં થતી રેતી ચોરી અંગેના સમાચાર પ્રકાશિત કર્યા બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું હતું. ખનીજની ટીમોએ તપાસ હાથ ધરતાં ભોગાવા નદીમાં રેતી ચોરી બંધ થઈ ગઈ હતી. પરંતુ ત્રીજા દિવસે શુક્રવારે લિયાદ- બલદાણા- ઉઘલની ભોગાવા નદીમાં રેતી ચોરીનો કાળો કારોબાર ફરીવાર શરૂ થઈ જતાં ગ્રામજનો અચંબામાં પડી ગયા છે. રેત માફિયાઓ તંત્રને ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ઉઘલના ગ્રામજને નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગના એક અધિકારીને રેતી ચોરી બંધ કરાવવા માટે ટેલીફોનિક જાણ કરી હતી. પરંતુ તેઓએ મારી રજૂઆત ઉપર ધ્યાન દીધું નહોતું. અવારનવાર ફોન કરતાં ભૂસ્તર વિભાગના અધિકારીએ મારા ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું. માથાભારે રેતી માફિયાઓએ ગામડાના રસ્તા ઉપર 40 ટન વજન ભરેલા વાહનો હાંકી રોડમાં ખાડા પડી દીધાં છે. ભુતકાળમાં પણ ઉઘલ, બલદાણા અને લિયાદના લોકોએ રેતી ચોરી બંધ કરાવવા મામલતદાર, કલેકટર, ખાણ ખનીજ વિભાગ સુધી રજૂઆતો કરી હતી. રેતી ચોરી બંધ કરાવવા માટે જવાબદાર તંત્ર કોઈ કડક કાર્યવાહી નહીં કરાતા લોકોમાં પણ રેત માફિયાઓનો ખોફ બેસી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.