લીંબડી તાલુકાના ભલગામડા ગામના યુવાનની હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીની મમ્મીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. લીંબડી તાલુકાના ભલગામડા ગામના હરનાથસિંહ અનિરુદ્ધસિંહ રાણા તેમના ગામના અને લીંબડી એન.એમ.હાઈસ્કૂલ પાસે રહેતા મિત્ર ગોપાલ વનરાજસિંહ રાણા સાથે તા.23 જાન્યુઆરી-2016ના રોજ પીડબલ્યુડીની ઓફિસ નજીક જુગાર રમવા બેઠા હતા.
ગોપાલ પૈસા હારી ગયો હતો. હરનાથસિંહ પાસે પૈસા ઉછીના માગ્યા હતા. પરંતુ હરનાથસિંહે પૈસા આપ્યા નહોતા. આ બાબતે બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘટનાના બીજા દિવસે તા.24 જાન્યુઆરીએ ગોપાલ હરનાથસિંહને અંકેવાળિયા રોડ પર ગેબનશા પીરની દરગાહ પાસેના ખેતરમાં દારૂ પીવા લઈ ગયો હતો.
પૈસા ઉછીના નહીં આપવાની દાઝ રાખીને ગોપાલે ઈલેક્ટ્રિક ઇન્સ્યુલેશન ડિસ્કનો વજનદાર અને ધારદાર ટુકડા વડે હરનાથસિંહના માથાના ભાગે ઘા મારી હત્યા કરી નાંખી હતી. હરનાથસિંહના ખીચામાંથી રૂ.3,500 કાઢી લઈ ભાગી છૂટ્યો હતો. લોહીના ડાઘાવાળા કપડા ગોપાલ અને તેની માતા રંજનબા સાથે મળીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી તળાવ કાંઠે ભાડિયા કૂવામાં ફેંકી દીધા હતા. બનાવની જાણ થતા મૃતકના ભાઈ અવધસિંહ રાણાએ લીંબડી પોલીસ મથકે ગોપાલ અને રંજનબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ કે.બી.શાહની દલીલોને ધ્યાને રાખીને ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રતીક જે. તમાકુવાલા આરોપી ગોપાલ વનરાજસિંહ રાણાને હત્યાના ગુનામાં તકશિરવાર ઠરાવી આજીવન સખત કેદની સજા તથા રૂ.5,000 દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. આરોપી નંબર 2 રંજનબા વનરાજસિંહ રાણાને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.