વીજ ચેકિંગ:લીંબડી, ચુડા, સાયલા, ધંધૂકા તાલુકામાં 68 વીજ જોડાણમાં ગેરરીતિ, 20 લાખનો દંડ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી-ચુડા-સાયલા-ધંધૂકા તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીની 38 ટીમોએ ત્રણેય તાલુકાના 68 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી 20 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજ ચોરી કરતા પકડાયેલા ધોળી ગામના સરપંચે વીજ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. પીજીવીસીએલ દ્વારા ધોળી ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે. લીંબડી-ચુડા-સાયલા-ધં ધુકા પંથકમાં અધિક્ષક ઈજનેર એ.એચ.વાઘેલા, લીંબડી ડિવિઝનના કા.ઈજનેર એમ.એમ.સુમેસરાના માર્ગદર્શન હેઠળ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પીજીવીસીએલની 38 ટીમોએ લીંબડી-ચુડા-સાયલા-ધંધુકા તાલુકાના 510 જેટલા વીજ કનેક્શનો ચેક કર્યાં જેમાંથી 63 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી હતી. ગેરરીતિ કરનાર શખસોને 20 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગને લઈ વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.પાણશીણા સબડિવિઝન હેઠળ આવતાં ધોળી ગામના સરપંચ દશરથ શેખ, પ્રતાપ પગી વીજ ચોરી કરતા પકડાતા બન્ને ઈસમોને 98 હજારનો દંડ ફટકાર્યો હતો.

વીજ ચોરી કરતા પકડાયેલ સરપંચ દશરથ શેખ,પ્રતાપ ગામી સહિતે વીજ કચેરીના ના.ઈજનેર બાબુલાલ સક્સેના, એસ.એન.પંચાલ સાથે પોલીસ અને એસઆરપી કર્મીની હાજરીમાં ઝપાઝપી કરી, ગાળો આપી મારવાની ધમકી આપી હતી. ના.ઈજનેર બાબુલાલ સક્સેનાએ ધંધુકા પોલીસ મથકે ધોળીના સરપંચ દશરથ શેખ, પ્રતાપ લાલજી ગામી સહિત અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. પીજીવીસીએલ દ્વારા ધોળી ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે અ.ઈજનેર એ.એચ.વાઘેલાએ જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં વીજ ચોરી સાંખી લેવામાં નહીં આવે. વીજ કર્મીઓ સાથે ઝપાઝપી કરનાર ધોળીના સરપંચ અને તેના સાગરીતોને પોલીસ ઝડપથી ઝડપી પાડશે તેવો અમને આશાવાદ છે. આવનારા સમયમાં વીજ ચોરો પર તવાઈ ચાલતી રહેશે. ઉચ્ચ અધિકારીઓ નિર્ણય લેશે ત્યાં સુધી ગામનો વીજ પુરવઠો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...