ટૂર્નામેન્ટનું આયોજન:નહેરુ હોકી ટૂર્નામેન્ટમાં લીંબડીની જી.કે. હાઈસ્કૂલની ટીમ 10મી વખત ચેમ્પિયન

લીંબડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
જી.કે.હાઈસ્કૂલની ટીમ હોકી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન. - Divya Bhaskar
જી.કે.હાઈસ્કૂલની ટીમ હોકી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન.
  • લીંબડીની શિવાંગી કન્યા વિદ્યાલયની ટીમ રનર્સ અપ બની હતી

લીંબડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની જવાહરલાલ નહેરુ હોકી ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી 4 ટીમે ભાગ લીધો હતો. લીંબડીની જી.કે.મંડળ હાઈસ્કૂલની હોકી ટીમ ચેમ્પિયન બની હતી. લીંબડીની શિવાંગી કન્યા વિદ્યાલયની ટીમ રનર્સ અપ બની હતી.

લીંબડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની 28મી નહેરુ હોકી જૂનિયર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડીની બી.એ. કન્યા વિદ્યાલય, શિવાંગી કન્યા વિદ્યાલય, જી.કે. મંડળ હાઈસ્કૂલ અને પાટડીના જૈનાબાદ હાઈસ્કૂલની હોકી ટીમે ભાગ લીધો હતો. જવાહરલાલ નહેરુ હોકી ટૂર્નામેન્ટની ફાઈનલ લીંબડીની શિવાંગી કન્યા વિદ્યાલય અને જી.કે. હાઈસ્કૂલ વચ્ચે રમાઈ હતી.

ફાઈનલમાં બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેચ ટાઈમ પૂરો થતાં એક પણ ટીમ ગોલ કરી શકી નહોતી. મેચનો ફેસલો પેનલ્ટી શૂટ આઉટ દ્વારા લેવા માટે બન્ને ટીમોએ કમર કસી તૈયારી કરી હતી. લીંબડીની જી.કે.મંડળ હાઈસ્કૂલની હોકી ટીમે ફાઈનલમાં શિવાંગી કન્યા વિદ્યાલયની ટીમને પેનલ્ટી શૂટ આઉટમાં 2 ગોલથી માત આપી 10મી વખત ચેમ્પિયન બની હતી.

શિવાંગી કન્યા વિદ્યાલયની ટીમને રનર્સ અપ બની સંતોષ માનવો પડ્યો હતો. ચેમ્પિયન ટીમને જી.કે. હાઈસ્કૂલના આચાર્ય કુંદનબા ચુડાસમા, જયદેવસિંહ ઝાલા, હિતેષ પંડ્યા સહિતના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. જી.કે. હાઈસ્કૂલની ટીમ થોડા દિવસોમાં રાજકોટ રમવા જશે. રાજકોટ તેઓ વિજેતા થશે તો દિલ્હી ખાતે તા.2 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી યોજાનારી જવાહરલાલ નહેરુ હોકી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...