રોષ:લીંબડી જીનપરામાં ગટરનું કામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટરે ચાલતી પકડી

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોદકામ કર્યા બાદ કામ અધૂરા મૂકી દેતા રહીશોમાં રોષ ફેલાયો

લીંબડી જીનપરામાં કોન્ટ્રાક્ટર ગટરનું કામ અધૂરું છોડીને ચાલ્યા ગયાની રાવ ઊઠી છે. ખોદકામ કરી કામ અધૂરું મૂકી દેતાં રહીશોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. લીંબડી શહેરના જીનપરા વિસ્તારમાં ઘણાં વર્ષો બાદ ગટરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ગટરનું કામ કરવા ઈંટ, કપચી, રેતી, સિમેન્ટ સહિતનું મટિરિયલ્સ ખડકી દેવામાં આવ્યું હતું. મજૂરો દ્વારા ગટરનું ખોદકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. થોડા દિવસો ખોદકામ શરૂ રહ્યું ત્યારબાદ કોઈ કારણે અચાનક કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે જીનપરા વિસ્તારમાંથી પોતાના મજૂરોને પાછા બોલાવી લીધા હતા.

થોડા સમય પછી જે મટિરિયલ્સ લાવવામાં આવ્યું હતું તે પણ ધીરે-ધીરે પાછું લઈ જવામાં આવ્યું હતું. ગટરનું કામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટરે ચાલતી પકડી હોય તેવી ચર્ચાઓ શહેરમાં વેગ પકડી રહી છે. ખોદકામ કરેલી ગટરનું કામ બંધ રહેતા જીનપરા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. જો કામ પૂરું કરવું નહોતું તો ખોદકામ શું કામ કર્યું ? સહિત અનેક સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર અને સ્થાનિકો સાથે કામ બાબતે ઉતાર-ચઢાવ થઈ ગયો હતો. મજૂરવર્ગ ખોદકામ કરી પાક્કું મટિરિયલ બનાવતાં ત્યારે રહીશો પાણી છોડી ગટર ભરી દેતા હતાં. જેના કારણે મટિરિયલ્સ બગડતું હતું. રહીશો અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ વધી ગયો હતો. એટલે કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું હતું. મેં જીનપરામાં રહેતા લોકો સાથે વાત કરી છે. તેઓની માગ છે કે હાલ ગટર બની રહી છે તે નાની છે તેને મોટી બનાવવામાં આવે. શક્ય હશે ત્યાં સુધી તેમની માગ પૂરી કરવા પ્રયાસ કરીશું. વરસાદી વાતાવરણ થોડું હળવું પડશે પછી નગરપાલિકા કોઈ રસ્તો કાઢી ગટરનું કામ શરૂ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...