ફરીવાર રોગની રાહ જોતું તંત્ર:લીંબડી તાલુકાના ભથાણ ગામે ફરીવાર ગંદકીનું સામ્રાજ્ય

લીંબડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 મહિના પહેલાં આ ગામમાં કમળાના 30થી વધુ કેસ નોંધાયા હતા

લીંબડી તાલુકાના ભથાણ ગામમાં તા.11 મેના રોજ પાણીના સમ્પમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળી જતાં 30થી વધુ બાળકોને કમળાની અસર થઈ ગઈ હતી. 10થી 18 વર્ષના બાળકો અને કિશોરોમાં કમળાના લક્ષણો જોવા મળતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી હાથ ધરી પીવાના પાણીનો સમ્પ તાબડતોબ સાફ કરવામાં આવ્યો હતો.

લીંબડી પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, આરોગ્ય અધિકારીઓ સહિતના ભથાણ ગામે દોડી આવ્યા હતા. પાણીના સમ્પ નજીક તથા ગામમાં થતી ગંદકી દૂર કરવા પંચાયતના સરપંચ અને સભ્યોને સૂચનો આપ્યા હતા. ઘટનાના 2 માસ બાદ ભથાણ ગામે સ્વચ્છતા માટે ગ્રામ પંચાયત દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે તે જાણવા ‘દિવ્ય ભાસ્કર’ ભથાણ પહોંચ્યું હતું. ભથાણ ગામની મોટાભાગની બજારો, પ્રાથમિક શાળા રોડ, પશુઓના પાણી પીવાના હવાડો, પાણીના સમ્પ નજીક ગંદકીના જે થર જામ્યા છે

તે જોતાં લાગી રહ્યું હતું કે ફરીવાર આ ગામમાં કમળો કે અન્ય કોઈ રોગચાળો ફાટી ન નીકળે તો જ નવાઈ. 4,500 લોકોની વસ્તી ધરાવતા ભથાણ ગામમાં 2 મહિના પહેલાં જે સ્થિતિ હતી તેના કરતાં પણ બદતર હાલત અત્યારે જોવા મળી હતી. નિર્દોષ ગ્રામજનો આ નર્કાગાર સ્થિતિમાં જીવવા મજબૂર બની ગયા છે. આગ લાગ્યા બાદ કૂવો ખોદવા કરતાં ભથાણ ગામમાં ગંદકીનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોએ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...