આક્રોશ:બસ સમયસર નહીં મુકાતાં 5 ગામના છાત્રો દ્વારા લીંબડી ST ડેપોમાં હલ્લાબોલ

લીંબડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
5 ગામના છાત્રે લીંબડી એસટી ડેપોમાં હલ્લાબોલ કર્યો હતો. - Divya Bhaskar
5 ગામના છાત્રે લીંબડી એસટી ડેપોમાં હલ્લાબોલ કર્યો હતો.
  • લીંબડી ડેપો દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓની બસ સમયસર ન મુકાતી હોવાની ફરિયાદ

લીંબડી એસટી ડેપો દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓની બસ સમયસર નહીં મુકાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેને લઈને એસટી તંત્રના વહિવટ સામે છાત્રોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. 5 ગામના 120થી વધુ વિદ્યાર્થીએ લીંબડી બસ સ્ટેન્ડમાં હલ્લાબોલ કરી સમયસર બસ મૂકવા ઉગ્ર માગ કરી હતી.

લીંબડી એસટી ડેપોમાં અવારનવાર બસ સમયસર નહીં મુકાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. લીંબડી એસટી ડેપોના જવાબદાર અધિકારીઓના અણઆવડત ભર્યાં વહીવટને કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોની સાથે ફરજ બજાવતા ડ્રાઈવરોએ સમયસર બસ નહીં મૂકવાની ફરિયાદો કરી ચૂક્યાં છે.

છતાં જાડી ચામડીના અધિકારીઓ ફરિયાદો બાબતે ધ્યાન દેવાને બદલે પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવી છાત્રો અને મુસાફરોએ આક્ષેપ કર્યો હતો. ચુડા તાલુકા યુવા ભાજપના મહામંત્રી શિવુભાએ જણાવ્યું હતું કે ગુરુવારે પાંદરી, કારોલ, મોજીદડ, ભૃગુપુર અને ઝોબાળા જતી 3 બસમાંથી 1 રૂટની બસ બંધ કરવામાં આવી હતી.

બપોરના સમયે વિદ્યાર્થીઓના રૂટની બસ રદ્દ થતાં વિદ્યાર્થીઓ બાકી રહેલા રૂટની બસમાં આવવા મજબૂર બની ગયા હતા. તેમાં પણ 12:45 કલાકે ઉપડતી લીંબડી-ઝોબાળા રૂટની એસટી 1 કલાક મોડી મૂકાતાં છાત્રોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.

રોષે ભરાયેલા છાત્રોએ અવારનવાર મોડી મુકાતી બસને લઈને બસ સ્ટેન્ડમાં હલ્લાબોલ કર્યો હતો. એસટી ડેપોના મેનેજરને ફરિયાદ કરી અવારનવાર અનિયમિત દોડતી બસોને સમયસર દોડાવા રજૂઆત કરી હતી.

ડેપો મેનેજરે યોગ્ય જવાબ આપ્યો નહીં હોવાનો આક્ષેપ છાત્રોએ કર્યો હતો. 1 રૂટની એસટી રદ્દ હોવાથી 5 ગામના 100થી વધુ છાત્રના જીવ જોખમમાં મૂકી ઘેટાં બકરાંની જેમ 1 બસમાં ઠોસી દેવામાં આવ્યા હતા. ડેપો મેનેજરના ગેરવર્તન અને બસ નિયમિત કરવા બાબતે આગળના સમયમાં રાજકોટ એસટી વિભાગની ડિવિઝન ઓફિસે ફરિયાદ કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...