વરણી:પ્રથમ વાર વિધાનસભાના દંડક જિલ્લા ભાજપ પ્રમુખનો હોદ્દો પણ સંભાળશે

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણના ધારાસભ્યે સરકારના નાયબ મુખ્ય દંડકનો ચાર્જ સંભાળ્યો હતો. - Divya Bhaskar
વઢવાણના ધારાસભ્યે સરકારના નાયબ મુખ્ય દંડકનો ચાર્જ સંભાળ્યો હતો.
  • ચૂંટણી પછી મકવાણા ફરી જિલ્લા ભાજપના જગદીશ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે પાંચેય વિધાનસભા બેઠક પર સત્તા મેળવી છે અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને નાયબ મુખ્ય દંડકનો હોદ્દો પણ આપ્યો છે. આ સાથે જ તેમને ફરીથી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવાયા છે. ચૂંટણી સમયે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરાયા હતા. ધારાસભ્ય અને નાયબ દંડક જિલ્લા ભાજપના પ્રમુખ હોય, તેવી આ પહેલી ઘટના છે.

શિયાણી ગામના મકવાણાએ 1998માં ભાજપના કાર્યકર તરીકે શરૂઆત કરી હતી. 2003માં તેમને લીંબડી તાલુકા ભાજપના મહામંત્રીની જવાબદારી સોંપાઈ. 2005માં જગદીશભાઈ શિયાણી તા.પંચાયતની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. 2006થી 2009 સુધી તેઓ લીંબડી તા.ભાજપના પ્રમુખ રહ્યા. 2010થી 9 નવેમ્બર, 20 સુધી તેઓ જિલ્લા ભાજપ મહામંત્રી રહ્યા હતા.

2020માં તેમને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બનવાયા હતા. જગદીશભાઈએ 2020માં લીંબડી અને ધ્રાંગધ્રા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં સ્થાનિક ઈનચાર્જની જવાબદારી નિભાવી બંને બેઠક પર ભાજપને જીત અપાવવામાં મહત્ત્વની ભુમિકા ભજવી હતી. ત્યાર બાદ યોજાયેલી તાલુકા-જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભાજપને સફળતા અપાવી હતી.

હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મકવાણાએ વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી 65,000થી વધુ મતથી જીત મેળવી હતી. મકવાણાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારના નાયબ મુખ્ય દંડક તરીકે વરણી કરવામાં આવી હતી.

બુધવારે મકવાણાએ નાયબ મુખ્ય દંડક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે સુરેન્દ્રનગરમાં ટેક્સટાઈલ પાર્કના કામને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી. સાથે જ જિલ્લામાં બાકી રહેલા વિકાસના કામોને વેગ આપવો, ચોટીલા, સાયલા સહિતના તાલુકામાં જ્યાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા છે હલ કરવા પ્રયત્નો કરવાની વાત કરી હતી.

જગદીશ મકવાણાને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એક વાર વરણી કરવામાં આવી છે. જેને લઈને બીજેપી કાર્યકરોમાં ઉત્ત્સાહ અને ખુશીની લહેર છવાઈ ગઈ છે. પૂર્વ કૅબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા (ભાણુભા), લીંબડીના ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, હાથથાળ હસ્તકલા નિગમના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી સહિતે જગદીશ મકવાણાને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...