લીંબડી શહેરમાં છેલ્લા બે સપ્તાહથી પીજીવીસીએલ દ્વારા વીજ ફોલ્ટ રીપેરીંગના બહાને ગમે ત્યારે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. કલાકો સુધી વીજ કાપ લાદી દેવામાં આવતાં એની સીધી અસર લીંબડી શહેરમાં વેપાર ધંધાઓ પર પડી રહી છે. બપોરે વીજ કાપ લગાવી દેતા વીજ તંત્રની આડોડાઈના કારણે લીંબડીના લોકોમાં રોષ ફેલાયો છે.
લીંબડી સીટી વિભાગ પીજીવીસીએલ કચેરીની ટીમના ડીંડવાણાથી ગમે ત્યારે આડેધડ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લીંબડી શહેર વેપારી આગેવાન બળવંતસિંહ રાણા, મનહરભાઇ પટેલ તથા ઉમેદભાઇ વોરા વગેરે લીંબડી નાયબ કલેકટર અને લીંબડી મામલતદાર કચેરી ખાતે લીંબડી શહેર પીજીવીસીએલ તંત્રના ડિંડવાણાથી નગરજનોને પડી રહેલી સમસ્યા ઉકેલવા ફરિયાદ કરી છે. જો વીજ તંત્ર દ્વારા રીપેરીંગના બહાને કલાકો સુધી વીજ પુરવઠો બંધ કરવાના ઠાગાઠૈયા બંધ નહી કરાય તો લીંબડી શહેર વેપારીઓ અને નગરજનો લીંબડી પીજીવીસીએલ કચેરીના પટાંગણમાં બેસી ઉપવાસ આંદોલન અને ધરણા કરશે.
આડેધડ વીજકાપથી ધંધાને માઠી અસર
લીંબડી પીજીવીસીએલ કચેરી દ્વારા વીજ ફોલ્ટ રીપેરીંગ કામગીરી કરવા માટે દર અઠવાડિયે ગુરુવારનો જ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા દર ગુરુવારે વીજ પુરવઠો બંધ કરી સાંજ સુધી રીપેરીંગ કામ કરવામાં આવે છે. તો સપ્તાહના બીજા દિવસોમાં વીજ કાપ લાગું કરવામાં આવતા ઠંડાપીણા, દરજી કામ, હેર કટિંગ સલૂન, ઇલેક્ટ્રોનિક સાધનો રીપેરીંગ દુકાનો તથા નાના મોટા લઘુ ઉદ્યોગોને ભારે અસર પડી રહી છે. - નિતિનભાઇ સોલંકી, વેપારી લીંબડી
ટ્રીપીંગથી વીજ પુરવઠો બંધ કરવો પડે છે
લીંબડી સીટી ફીડરમાં દિવસ દરમિયાન ઘણી વખત ફોલ્ટ સર્જાતા હોય છે. એ રીપેરીંગ તરત કરવું પડે એટલે વીજ પુરવઠો બંધ કરવો પડે છે. જો કે રીપેરીંગ થતાં તરતજ ચાલુ કરી દેવામાં આવે છે. છતાં ગ્રાહકોને તકલીફ ન પડે એનુ પુરતું ધ્યાન રાખીને કામગીરી ઝડપી બનાવીએ છીએ.- એ.કે.પરમાર, નાયબ ઇજનેર લીંબડી પીજીવીસીએલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.