ચુડા ઠાકોર સાહેબ કુષ્ણકુમારસિંહજી ઝાલાના યુવરાજ આદિત્યસિંહજી તેમના પત્ની કામાક્ષીબા અને પુત્રી વિરાંગનાબા સાથે અમદાવાદ, બોડકદેવ એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. શાંતિગ્રામની અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.1માં અભ્યાસ કરતા રાજવી પરિવારના વિરાંગનાબાનો તા.8 ઓગસ્ટના રોજ બર્થડે હોવાથી તેની ઉજવણી કરવા પરિવારના લોકો તૈયારી કરી રહ્યા હતા.
જન્મદિવસની આગલી રાત્રે 10:15 કલાકે વિરાંગનાએ એર-કન્ડિશનર ચાલુ કરવા રિમોટ દબાવ્યું અને સ્પાર્ક થયો. તીખારો થોડીવારમાં આગમાં ફેરવાઈ ગયો. પુખ્તવયના લોકો ગભરાટમાં આવી જાય તેવાં સમયે 6 વર્ષના વીરાંગનાએ મન શાંત રાખી કામ લીધું. રૂમની બહાર આવી માતાપિતાને ઘટના અંગે જાણ કરી, પછી ઝડપથી એપાર્ટમેન્ટના અન્ય મકાનોમાં દોડી ગયા.
બિલ્ડીંગ ખાલી કરવા સૌને ચેતવ્યા હતા. પાડોશીઓને શરૂઆતમાં લાગ્યું કે આ એક ટીખળ છે. પરંતુ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો એટલે સૌ સચેત થઈ ગયા હતા. બિલ્ડીંગ ખાલી કરી લોકો ગાર્ડનમાં આવી ગયા. ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ વિરાંગનાબાનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું.
સમય સૂચકતા વાપરી વિરાંગનાએ 60થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. 6 વર્ષની બાળાની બહાદુરીની વાત ભારતીય બાળ કલ્યાણ પરિષદ સુધી પહોંચી. તેમણે \"હો નૂર\" માટે વિરાંગનાબાની પસંદગી કરી. અસાધારણ પરિપક્વતા દાખવવા માટે વીરાંગનાબાને પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
દર વર્ષે 25 બાળકોને એવોર્ડ અપાય છે
રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર દર વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરના 25 ભારતીય બાળકોને તમામ અવરોધો સામે બહાદુરીના પ્રતિભાશાળી કાર્યો માટે આપવામાં આવે છે. આ પુરસ્કારો ભારત સરકાર અને ભારતીય બાળ કલ્યાણ પરિષદ ICCW દ્વારા આપવામાં આવે છે. 1957માં બહાદુરી અને ગુણવત્તાયુક્ત સેવાના ઉત્કૃષ્ટ કાર્યો કરી પોતાને અલગ પાડનારા બાળકોને યોગ્ય માન્યતા આપવા અને અન્ય બાળકોને તેમના ઉદાહરણોનું અનુકરણ કરવા પ્રેરણા આપવા માટે આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
ચુડા ઠાકોર સાહેબને આ એવોર્ડ મળ્યો હતો
રસપ્રદ વાત એ છે કે વીરાંગના તેના પરિવારમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ નથી. તેમના દાદા ચુડા સ્ટેટ કૃષ્ણકુમારસિંહજી ઝાલા, જે તે સમયે એનસીસી કૅડેટ હતા, તેમણે 1969માં પ્રજાસત્તાક દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તરફથી ''ઓલ-ઈન્ડિયા બેસ્ટ કૅડેટ જુનિયર ડિવિઝન'' માટે એવોર્ડ મેળવ્યો હતો. કૃષ્ણકુમારસિંહજી, તેમના ભાઈ સુકેતુસિંહજીએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ ઉત્સાહિત થઈ ગયા હતા. વીરાંગનાને દાદા પ્રોટોકોલ વિશે માહિતગાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.