નળકાંઠા વિસ્તારના વડલા અને માલિકા ગામોની વચ્ચે આવેલા કોઝ-વે પર સતત વહેતા પાણીથી લોકો પરેશાન બની ગયા છે. પાણીને કારણે કોઝ-વે પર લીલ વળી ગઈ છે. લીલના કારણે ત્યાંથી પસાર થતાં 20થી વધુ ગામનો અનેક લોકોને અકસ્માતનો ભોગ બનવું પડયું છે. લપસીને પડવાને કારણે કોઈ વ્યક્તિ મોટી દુર્ઘટનાનો ભોગ બને તે પહેલાં કોઝ-વેને ઉંચો લેવામાં આવે તેવી માગ ઉઠી છે. વડલા અને માલિકા ગામોને જોડતા કોઝ-વે ઉપર સુરેન્દ્રનગર કે લખતર જવા નળકાંઠા વિસ્તારના 20થી વધુ ગામના લોકો પસાર થાય છે. ચોમાસામાં તો ઠીક પણ નળ સરોવરમાં પાણી ભરવાનું હોય ત્યારે નર્મદા દ્વારા છોડાતાં પાણીને કારણે વડલા-માલિકા ગામો વચ્ચેના કોઝ-વે પર પાણી વહેતું રહેતું હોય છે.
આ અંગે મોટી કઠેચી ગામના સામાજિક કાર્યકર ખલીલભાઈ સમાંએ જણાવ્યું હતું કે સતત વહેતા રહેતા પાણીને કારણે કોઝ-વે પર લીલ વળી ગઈ છે. લીલના કારણે ત્યાંથી પસાર થતાં લોકો લપસીને નીચે પડે છે. જેના કારણે અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચે છે. પાણી છોડવાનું બંધ થાય તેમ નથી એના બદલે વડલા-માલિકા ગામો વચ્ચેના કોઝ-વે ઉંચો કરવામાં આવે તેવી અનેક ગામોના લોકોની માગ છે. લપસીને પડવાને કારણે કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઘવાય કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં વડલા અને માલિકાને જોડતો કોઝ-વે ઉંચો બનાવાય તેવી માગ ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.