બંને કર્મી સસ્પેન્ડ:ખેડૂતોનાં ખોટાં ખાતાં ખોલી, ધિરાણ આપનાર નાની કઠેચીના બ્રાન્ચ મેનેજર અને કેશિયર સામે ફરિયાદ

લીંબડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં 11.30 લાખની ઠગાઈ કરનાર બંને કર્મી સસ્પેન્ડ
  • એક ખેડૂતને 6,30,000 જ્યારે બીજા ખેડૂતને 5 લાખની લોન આપી હતી

લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર અને કેશિયરે ખેડૂતોના ખોટા ખાતા ખોલી ધિરાણ લોન આપી હોવાની વાત બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. 11.30 લાખની ગેરરીતિ કરનાર બેંક કર્મચારીઓને સસ્પેન્ડ કરી બન્ને વિરુદ્ધ પાણશીણા પોલીસમાં ફરિયાદ નોંધવાઈ છે.

લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હાલ મેનેજર તરીકે ફરજ બજાવતા શબ્બીરભાઈ શફીભાઈ સમાણાએ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે રહેતો શરદ કેશાભાઈ વણકર વર્ષ-2017થી 19 સુધી અમારી બેંકમાં મેનેજર તરીકે અને વર્ષ-2017થી 21 સુધી અમદાવાદના દાણીલીમડા, શ્રવણ પાર્ક સોસાયટીમાં રહેતો કનક પ્રહલાદ સોલંકી ક્લાર્ક કમ કેશિયર તરીકે ફરજ બજાવતા હતા.

આ સમય દરમિયાન મેનેજર શરદ વણકર અને કેશિયર કનક સોલંકીએ ગડથલ ગામના ખેડૂત હિરાભાઈ જેઠાભાઈ ગળથરા પાસે જરૂરી દસ્તાવેજો લીધા વગર બેંકમાં ખાતું ખોલી આપ્યું હતું. તેમની સંયુક્ત માલિકીની જમીનના પૂરતા પુરાવા લીધાં વગર તેમના બેંકના ખાતામાં 6,30,000 રૂપિયાની ધિરાણ લોન આપી દીધી હતી.

ડેરવાળા ગામે રહેતા ભોપાભાઈ ગગજીભાઈ સભાડનું પણ બેંકમાં જરૂરી દસ્તાવેજો લીધા વગર ખાતું ખોલી આપ્યું હતું. લખતર તાલુકાના માલીકા ગામની સીમ જમીન ઉપર રૂ.5 લાખની ધિરાણ લોન આપી દીધી હતી. બેંકના ઉપરી અધિકારીઓને આ બાબતની જાણ થતાં તેમને તપાસ હાથ ધરી હતી.

જેમાં બેંક મેનેજર શરદ વણકર અને કેશિયર કનક સોલંકીએ 11,30,000 રૂ.ની ગેરરીતિ કર્યાંનો ભાંડો ફૂટયો હતો. બન્ને કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બન્ને વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી 11.30 લાખની ઠગાઈ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...