ફરજ પર બેદરકારી:પાણશીણા પોલીસ મથકના ASI-કોન્સ્ટેબલ સસ્પેન્ડ

લીંબડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજ પર બેદરકારી દાખવનારા 2 પોલીસ કર્મીઓ સામે SPએ એક્શન લીધી

ફરજ પર બેદરકારી દાખવનારા પાણશીણા પોલીસ મથકના એએસઆઈ અને કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે તા.21 જૂનના રોજ પાણશીણા પોલીસ મથકે ઈન્સપેકશન હાથ ધર્યું હતું. એસ.પી હરેશ દુધાતે સ્થાનિક પોલીસની કામગીરીની ચકાસણી કરી હતી. જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવ્યું હતું કે એએસઆઈ એફ.એમ.મલેક અને પો.કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ રાણાએ સ્થળ ઉપર એમસીઆર ચેક કર્યા વગર કામગીરી બતાવી દીધી હોવાની વિગત જાણવા મળી હતી.

પાણશીણા પોલીસ મથકના એએસઆઈ એફ.એમ.મલેક, પુષ્પરાજસિંહ રાણા અને અશોકસિંહ ઝાલા થોડા સમય પહેલાં નળકાંઠા વિસ્તારમાં એમ.સી.આર ચેક કરવા ગયા હતા. પરનાળા ગામે એમ.સી.આર ચેક કર્યા બાદ મોટી કઠેચી ગામે જવાનું હતું. પોલીસ કર્મીઓ પરનાળા એસ.સી.આર ચેક કરી હતી. પરંતુ મોટી કઠેચી જવાને બદલે પાણશીણા પરત આવી ગયા હતા. વોટ્સઅપ દ્વારા મોટી કઠેચીથી એમસીઆરના ફોટા મંગાવી લીધાં હતા. હરેશ દુધાતે ઈન્સપેકશન દરમિયાન એફ.એમ.મલેકના મોબાઈલ ફોન પર મોટી કઠેચીના એમસીઆરના ફોરવર્ડ થયેલા ફોટા જોયા હતા.

ફોરવર્ડ થયેલા ફોટા જોઈને તેમને શંકા ગઈ હતી કે ત્રણેય પોલીસ કર્મીઓ મોટી કઠેચી પહોંચ્યાં નથી પણ ત્યાંથી ફોટા મંગાવી કામગીરી બતાવી દીધી છે. આ અંગે તેમણે અશોકસિંહ ઝાલા સાથે વાત કરી તો તેઓએ કબુલ્યું હતું કે મોટી કઠેચી જવાને બદલે અડધે રસ્તેથી પરત ફર્યા હતા. અશોકસિંહ ઝાલાએ કબૂલાત અને ઠોસ તપાસના આધારે સાબિત થયું હતું કે એફ.એમ.મલેક અને પુષ્પરાજસિંહ રાણા મોટી કઠેચી ગયા નહોતા. જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે એએસઆઈ એફ.એમ.મલેક અને પો.કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ રાણાને ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...