રાજકોટ ગઢીયાનગર, સંતકબિર રોડ પર રહેતા વિમલભાઈ રમેશભાઈ પરમાર અને રાજકોટ આર્યનગરમાં રહેતા તેમના મિત્ર જિગ્નેશભાઈ લખમણભાઈ મૈયડ શનિવારે અમદાવાદ કારની ખરીદી કરવા માટે ગયા હતા. કાર પસંદ નહીં આવતાં બન્ને મિત્રો રાત્રે ભોજન કરી રાજકોટ પરત ફરી રહ્યા હતા. ત્યારે કાર વિમલભાઈ ચલાવી રહ્યા છે.
મોડી રાત્રે લીંબડી હાઈવે પર રળોલ ગામના બોર્ડ નજીક રોડનું કામ ચાલુ હોવાથી વચ્ચેનો રસ્તો બંધ હતો. ડાયવર્ઝનનું બોર્ડ લગાવેલું હતું. કાર ચાલક વિમલ ગતિથી કાર ચલાવી રહ્યા હતા. વિમલભાઈને ડાયવર્ઝનનું બોર્ડ દેખાયું નહોતું. અચાનક કાવુ મારતા કાર નાળાની દિવાલ સાથે અથડાઈ હતી.
કાર નાળા નીચે પાણી અને કાદવમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં પાણશીણા પીએસઆઈ એચ.એચ.જાડેજા, મહાવીરસિંહ ઝાલા, પ્રકાશભાઈ ચિહલા સહિતના બનાવના સ્થળે દોડી આવ્યા હતા. હાઈ-વે પરથી પસાર થતા વાહનચાલકોએ પાણીમાં ખુચેલી કાર અંદરથી ઘાયલ અવસ્થામાં વિમલભાઈ અને જિગ્નેશને બહાર કાઢ્યા હતા. બન્ને ઘાયલોને લીંબડી સિવિલ હૉસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે વિમલભાઈ પરમારને પાણી અને કીચડમાં ગુંગળાઈ જવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.