દોડધામ:ચોરણીયા ગામે ઘાસચારો ભરેલા આઈસરમાં આગ લાગતાં દોડધામ

લીંબડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ ઓલવવા બાબતે મારામારી થતા 6ને ઈજા પહોંચી હોવાની રાવ

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે ઘાસચારો ભરેલા આઈસરમાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. સળગતું આઈસર ગામમાં નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ઓલવવા માટે આઈસર ગામના તળાવે પહોંચે તે પહેલાં એક વાડામાં આગનો તિખારો પડ્યો હતો જેના કારણે તે વાડામાં પણ આગ લાગી હતી. આગ ઓલવવા બાબતે બે જુથ વચ્ચે મારામારી થતાં 6 લોકોને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે કોઈ અગમ્ય કારણોસર ઘાસચારો ભરેલા આઈસરમાં આગ લાગી હતી. સળગતું આઈસર ગામમાં નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ઓલવવા માટે આઈસર ગામના તળાવે પહોંચે તે પહેલાં સુખદેવભાઈ ગામીના વાડામાં આગનો તિખારો પડ્યો હતો. જેના કારણે તેમના વાડામાં પણ આગ લાગી હતી. ભડકે બળતા આઈસરને આગ ઓલવવા તળાવ નજીક લઈ જવામાં આવ્યું હતું. ઘટના અંગે સુખદેવભાઈ ગામીએ જણાવ્યું હતું કે અમે ઘરે કડિયા કામ કરી રહ્યા હતા ત્યારે વાડા પાસેથી સળગતું આઈસર નીકળ્યું હતું. તિખારો પડતાં વાડામાં આગ લાગી હતી અમે આગ ઓલવી રહ્યા હતા ત્યારે અરામ કમાભાઈ તથા વાલા તેજાભાઈ સહિત શખસોએ અમારા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં મારા સહિત પરિવારના રંભાબેન ગામી, આરતીબેન ગામી, અર્પિતબેન ગામી, વનરાજભાઈ ગામી, લાલજીભાઈ ગામીને ઈજા પહોંચી હતી.

આગને કારણે ભેંસો સળગી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે લીંબડી પીએસઆઈ એન.એચ.કુરેશીએ જણાવ્યું હતું કે આઈસરમાં આગ શેના કારણે લાગી તે જાણી શકાયું નથી. જયાં સુધી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાની વાત છે તો તે બન્ને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું છે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...