ચોરી:લીબડી હાઈ-વે પર ચાલુ આઈસરમાંથી 1.07 કરોડના મોબાઈલ સહિતના ઉપકરણોની ચોરી

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂર્વ અમદાવાદ, મણિનગર, ધીરજ હાઉસિંગની પાછળ પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા રિલે એક્સપ્રેસ પ્રા.લિ. કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ચાવડાએ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તા.6 જાન્યુઆરીના રોજ અમારી કંપનીનો સામાન ભરીને ડ્રાઈવર હબીબ રહીમમીયા બેલીમ રાજકોટ જવા નીકળ્યો હતો. વહેલી સવારે દોઢથી પોણા બે વાગ્યાની આસપાસ બગોદરા ટોલનાકા પાસે આવેલી હોટલ પાસે આઈસર ઊભી રાખી હબીબ ચા-પાણી કરવા નીચે ઉતર્યો હતો.

દસેક મિનિટ રોકાયા બાદ હબીબ આઈસરનો પાછળનો દરવાજો ચેક કરી ત્યાંથી પસાર થયો હતો. આઈસર લીંબડી હાઈવે પર બોડિયા ગામ નજીક પહોંચ્યું ત્યારે પાછળથી આવતાં એક ટોરસ ચાલકે હબીબને જણાવ્યું હતું કે તે તમારા વાહન પાછળ 2 બાઈક ચાલકો ચોરી કરી રહ્યા હતા. આટલું જણાવી ટોરસ ચાલક ત્યાંથી નીકળી ગયો હતો. હબીબે આઈસર રોડની સાઈડમાં ઊભી રાખી તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આઈસર પાછળના દરવાજાનું તાળુ તૂટેલું હતું. આઈસર અંદર રાખેલા બોક્સ અસ્ત વ્યસ્ત જોવા મળ્યા હતા.

અમુક બોક્સ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા જેમાંથી અમુક ઈલેક્ટ્રોનિક આઈટમોની ચોરી થઈ હોવાનું લાગતાં હબીબે શેઠ હનીફભાઈને જાણ કરી હતી. મજૂરોને બોલાવી ગણતરી હાથ ધરતાં ખ્યાલ આવ્યો કે આઈસર અંદર રાખેલા 719 પાર્સલોમાંથી 667 પાર્સલ જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં મળી આવ્યા હતા. 52 પાર્સલોમાંથી 1,07,17,133 રૂ.ની ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આઈસરમાં ચોરી કરનાર અજાણ્યા 2 મોટરસાયકલ ચાલકો સહિત તપાસમાં બહાર આવે તેવા શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આટલી વસ્તુઓની ચોરી થઈ
રૂ.23,169 હેડ ફોન તથા પાવરબેક, રૂ.20,000 ટાટા સ્કાય કંપનીનો સામાન, રૂ.5,015 ઓટોમોબાઈલ્સ, રૂ.96,682 લેપટોપ, રૂ.9,11,6,563 મોબાઈલ ફોન, રૂ.28,320 પ્રિન્ટીંગ રોલ, રૂ.2,27,385 ઘડિયાળ, રૂ.11,99,999 ટેબ્લેટ

અન્ય સમાચારો પણ છે...