ધંધુકા તાલુકાના ફતેપુરાથી ખંભલાવ ગામે લૌકિકક્રિયાએ આવેલા 5 લોકોની કારને લીંબડી હાઈવે પર અકસ્માત નડ્યો હતો. કટારિયાના પાટીયા પાસે પાછળથી પુરઝડપે આવતી ટ્રાવેલ્સે ટક્કર મારતા કારમાં બેઠેલા 1 વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 4 લોકોને ઈજા પહોંચી હતી. ધંધુકા તાલુકાના ફતેપુરા ગામના ઘનશ્યામભાઈ પઢેરીયાના લગ્ન લીંબડી તાલુકાના ખંભલાવ ગામે થયા હતા. થોડા દિવસો પહેલા ઘનશ્યામભાઈના સાસુનું દેહાંત થયું હતું. ઘનશ્યામભાઈ તેમના સબંધી હિતેશભાઈ વાળા, ભરતભાઈ જેસીંગભાઈ, ગગજીભાઈ હનુભાઈ અને કાળુભાઈ ભરવાડ સાથે કાર લઈને ખંભલાવ ગામે લૌકિકક્રિયાએ આવ્યા હતા.
લૌકિક વ્યવહાર કરી પાંચેય મિત્રો ફતેપુરા પરત ફરી રહ્યા હતા. ત્યારે લીંબડી હાઈવે પર કટારિયાના પાટીયા પાસે પાછળથી પુરઝડપે આવતી ટ્રાવેલ્સે તેમની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલ્સની ટક્કરે કાર કૂચડો થઈ રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત અંગે જાણ થતાં પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા, મહાવીરસિંહ ઝાલા, કુલદીપસિંહ સહિતના બનાવના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં હાજર ડૉક્ટરે ગગજીભાઈ, હિતેશભાઈ, કાળુભાઈ અને ભરતભાઈને સારવાર આપી હતી. પરંતુ ગંભીર રીતે ઘાયલ ઘનશ્યામભાઈ પઢેરીયાને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.