ગ્રાઉન્ડ રિપોર્ટ:પોણી કલાકના વાવાઝોડાએ 1 કરોડનો વિનાશ વેર્યો; ઘંઉ સહિતના રવી પાકમાં સૌથી વધુ નુકસાન

લીંબડી13 દિવસ પહેલાલેખક: પૃથ્વીરાજસિંહ ઝાલા
  • કૉપી લિંક
લીંબડી-ચુડા તાલુકામાં વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું. - Divya Bhaskar
લીંબડી-ચુડા તાલુકામાં વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું.
  • લીંબડી-ચુડાનાં 20 ગામોમાં 2500 હૅક્ટર વાવેતરને 1 કરોડથી વધુનું નુકસાન
  • લીંબડીનાં 7 ગામો, શહેરનો રેલવે સ્ટેશન વિસ્તાર 24 કલાક થવા છતાં વીજળીથી વંચિત
  • 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં અનેક દીવાલો, 1000થી વધુ વીજવાયરો તૂટ્યા
  • 30 થાંભલા પડી જતા 25થી વધુ ગામમાં અંધારપટ છવાયો

લીંબડી અને ચુડા તાલુકામાં ગુરુવારે સાંજે પવન અને કરા સાથે પોણો કલાક પડેલા 25 મીમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. લીંબડી અને ચુડા તાલુકાની 11905 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. પાકમાં આવી ગયેલા ઘંઉ, જીરું, ઈસબગુલ, વરિયાળી સહિત રવી પાકનો સોથ બોલી ગયો છે.

લીંબડી તાલુકાના સૌકા, લિયાદ, પાંદરી, ભલગ મડા અને ચુડાના કારોલ, મોજીદડ, ભૃગુપુર, ગોખર વાળા સહિતનાં 20થી વધુ ગામોમાં શિયાળુ પાકમાં 1 કરોડથી વધુ નુકસાનનો અંદાજ છે. સાથે જ છેલ્લી વીણીના કપાસ અને એરંડાને પણ ભારે નુકસાન થયું છે. બંને તાલુકાના ખેડૂતોએ પાક નુકસાનીનું સરવે કામ ઝડપી હાથ ધરાય તેવી માગ કરી છે. બીજી તરફ વાવાઝ ોડાને કારણે 100થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં અનેક દીવાલો, હોર્ડિંગ્સ તૂટવાથી 1000થી વધુ વીજવાયર તૂટી ગયા હતા. શહેરની સાથે 25થી વધુ ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

1 વીજ ટાવર, વીજ 30 પોલ, 2 TC નીચે પડ્યા
લીંબડી શહેરના વીજ વિભાગના ડે. ઇજનેર આર. એસ. પરમારે જણાવ્યું હતું કે 21 વીજ પોલ, 2 ટ્રાન્સફોર્મર પડ્યા હતા. શહેરનો 85 ટકા વિસ્તારમાં ગુરુવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરી દેવાયો હતો. રેલવે સ્ટેશન વિસ્તારના અંદાજે 500 જેટલાં મકાનોમાં 24 કલાક વીજવિક્ષેપ પડ્યો હતો. ગ્રામ્ય વીજ વિભાગના ડે. ઇજનેરે જણાવ્યું હતું કે 9 જેટલા વીજ પોલ તૂટી ગયા છે. રાસકા ગામની સીમમાં જેટકોનો વીજ ટાવર પડી જતાં સૌકા, બોડિયા, વડોદ સહિત 7 ગામોમાં 24 કલાક વીજ પુરવઠો બંધ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...