દુર્ઘટના:લીંબડી-રાણપુર રોડ પર બાઈક, કાર વચ્ચે અકસ્માત: 2નાં મોત

લીંબડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી-રાણપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત અને 6 લોકોને ઈજા પહોંચી હતી. - Divya Bhaskar
લીંબડી-રાણપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત અને 6 લોકોને ઈજા પહોંચી હતી.
  • બાઈક પર સવાર 2 વર્ષના બાળકનો આબાદ બચાવ
  • બોટાદથી ભાભીને તેડવા આવેલા દિયર અને લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા કરમડના યુવાનનું મોત

લીંબડી-રાણપુર રોડ પર કારોલ અને ભૃગુપુર ગામ વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાઈકલ ચાલક અને કારમાં સવાર એક-એક વ્યક્તિના મોત થયા હતા. 6 લોકોને ઈજા પહોંચી હતી. ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર 2 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો.

બોટાદના નિલેશભાઈ નારાયણભાઈ જોગરાણા ચુડા તાલુકાના મોજીદડ ગામે આવેલા ભાભી પૂજાબેન હિરાભાઈ અને તેમના 2 વર્ષના પુત્રને લઈ બાઈક પર બોટાદ જઈ રહ્યા હતા. ચુડા તાલુકાના કરમડ ગામના ગોપાલભાઈ રતુભાઈ બાવળીયા તેમના મિત્રના પરિવાર સાથે ઝીંઝાવદર ગામથી લગ્ન પ્રસંગ પતાવી ચોટીલા જઈ રહ્યા હતા. ત્યારે લીંબડી-રાણપુર હાઈવે રોડ પર કારોલ અને ભૃગુપુર ગામ વચ્ચે કાર અને બાઈક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઈક ફંગોળાઈને રોડની બાજુમાં બાવળની ઝાડીમાં ફેંકાઈ ગયું હતું. કાર મહાકાય વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક નિલેશભાઈ જોગરાણા અને કારચાલક પાસે બેઠેલા ગોપાલભાઈ બાવળીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજયાં હતા.

અકસ્માત સર્જાતો જોઈ સામે આવેલી સોમનાથ હોટલના સંચાલક તનકસિંહ રાણા, શિવુભા રાણા સહિતના લોકો દોડી આવ્યા હતા. કારમાં સવાર કાળુભાઈ ભરતભાઈ સોલંકી, નંદુબેન ડાયાભાઈ, નિતાબેન માધુભાઈ, પુજાબેન ડાયાભાઈ, બિપીન જગદીશભાઈને કારની બહાર કાઢ્યા હતા. બાઈક પર સવાર પુજાબેન જોગરાણાને પણ ઈજા પહોંચી હતી.

ભલભલા ભડનું હ્રદય કંપાવી દેનાર અકસ્માતમાં 2 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. ઘાયલોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે જયારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...