પાણીનો વેડફાટ:લીંબડીના રોજાસર ગામે નર્મદાની કૅનાલના કૂવામાં ગાબડું, હજારો લીટર પાણીનો વ્યય

લીંબડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડીના રોજાસર ગામે કેનાલના કુવામાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. - Divya Bhaskar
લીંબડીના રોજાસર ગામે કેનાલના કુવામાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વ્યય થયો હતો.
  • પાછળના ભાગે આવેલાં ખેતરોમાં પાણી નહીં પહોંચતાં રવી પાકને નુકસાન પહોંચવાની ભીતિ

તાલુકાના રોજાસર ગામની નર્મદાની માઈનોર કૅનાલના કૂવામાં ગાબડું પડતાં હજારો લીટર જળનો વેડફાટ થઈ રહ્યો છે. આ કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. કૂવા પાછળ આવેલાં ખેતરોમાં પાણી ન પહોંચતાં શિયાળુ પાકને નુકસાન પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે.

રોજાસર ગામથી પસાર થતી ફૂલવાડી ડિસ્ટ્રી D-6 નર્મદાની માઈનોર કૅનાલના સાયફનના કૂવામાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રોજ હજારો લીટર જળનો વ્યય થતાં કૂવાની પાછળના ભાગે આવેલાં ખેતરોમાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચી શકતું નથી. આ કારણે ત્યાંના ખેડૂતોને ઘંઉ, જીરું સહિતનો રવી પાક લેવામાં મુશ્કેલી પડવાની સંભાવના છે. ઝાલાવાડમાં ચોમાસાની શરૂઆતમાં નહિવત્ વરસાદને કારણે મોટા ભાગનો પાક બળી ગયો હતો. છેલ્લે 20 દિવસ સુધી અતિશય વરસાદ થવાને કારણે થોડા ઘણા બચેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. ખેડૂતો શિયાળુ પાક પર મીટ માંડીને બેઠા છે, તેવા સમયે કૅનાલમાં ગાબડાં પડવાની શરૂઆત થતાં જગતના તાતને ચિંતા થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...