ચોરી:લીંબડી પરિવાર દિવાળીમાં ફરવા ગયો તસ્કરો હાથ સાફ કરી ગયા

લીંબડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી શાંતિનગરમાં રોકડ રકમ અને સોનાનાં ચેઈનની ચોરી થઈ હતી. - Divya Bhaskar
લીંબડી શાંતિનગરમાં રોકડ રકમ અને સોનાનાં ચેઈનની ચોરી થઈ હતી.
  • સોનાનો ચેઈન, રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા, પાડોશી જાગી જતાં સાધનો મૂકી ચોર ટોળકી ફરાર થઈ ગઈ

લીંબડીના શાંતિનગર સોસાયટીમાં રહેતો પરિવાર દિવાળી વેકેશનમાં ફરવા ગયો અને બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા. ઘરના દરવાજા અને તિજોરીનું તાળું તોડી સોનાનો ચેઈન, રોકડ રકમની ચોરી કરી હતી. પાડોશી જાગી જતાં ચોર ટોળકી ચોરી કરવાનાં સાધનો મૂકી ભાગી છૂટી હતી. શિયાળાની ઠંડીની શરૂઆત થવાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ લીંબડી શહેરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. લીંબડી બળદેવ પાર્કમાં થયેલી ચોરીની શાહી પણ સુકાઈ નથી ત્યાં તો કર્મચારીનગર પાસે આવેલા શાંતિનગર સોસાયટીમાં તસ્કરો તાંડવ મચાવી ગયાની હકીકત બહાર આવી છે.

લીંબડી તાલુકાના મોટા ત્રાડિયા ગામના હાલ લીંબડીની શાંતિનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલાએ જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે દિવાળી વેકેશનમાં બહાર ગામ ફરવા ગયા અને તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરના દરવાજા અને તિજોરીનું તાળું તોડી રોકડ રકમ, સોનાનો ચેઈનની ચોરી થઈ હતી. પાડોશીઓએ જાગીને બુમાબુમ કરતા ચોર ટોળકી ડિસમિસ, ટોમી સહિતના ચોરી કરવાનાં સાધનો મૂકી ભાગી છૂટી હતી.

આ અંગે મહેન્દ્રસિંહ ઝાલા લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ પોલીસે ફક્ત કાગળ ઉપર અરજી નોંધી તપાસ હાથ ધરી હતી. લીંબડીમાં વધી રહેલા ચોરીના બનાવોથી શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અને હોમગાર્ડ જવાનો નિંદ્રા, આળસ ખંખેરી શહેરના વિસ્તારોમાં પેટ્રોલિંગની કામગીરી વધારે તેવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...