સેવાસેતુ કાર્યક્રમ:સરકારે 56 જનહિતલક્ષી સેવાઓ લોકોના આંગણે ઉપલબ્ધ કરાવી

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડીના રાણાગઢ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો

લીંબડી તાલુકામાં નળકાંઠા વિસ્તારના રાણાગઢ ગામ ખાતે 7 ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષો બાદ સરકારના કાર્યક્રમમાં ભાજપના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ભેગા મળીને એક મંચ પર ભેગા થતા જોવાનો લોકોને લ્હાવો મળ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે કોરોનામાં રાજ્યના અર્થતંત્ર પર માઠી અસર પડી હોવા છતાં પણ સરકાર દ્વારા અનેકવિધ પ્રજા હિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા જેનો લાભ ગુજરાતના લોકોને મળી રહ્યો છે.

સરકારે જનહિતલક્ષી સેવા લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવી છે. નિરાધાર વૃદ્ધ અને ગંગા સ્વરૂપા સહાય જેવી અનેકવિધ યોજનાઓના લાભ એક જ સ્થળેથી ઉપલબ્ધ બને અને લોકોને તાલુકા કે જિલ્લા મથકોએ ધક્કા ન ખાવા પડે, તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

સેવાસેતુના માધ્યમથી લોકોને સરકારની 56 જેટલી સેવાઓના લાભ ઘર આંગણે જ મળતા થયા છે. પાટડીના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, જિલ્લા ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં રાણાગઢ, નાની-મોટી કઠેચી, ભગવાનપર, ફૂલવાડી, જાળીયાળા અને ગડથળ સહિત ગામના અરજદારોએ વિવિધ 56 સરકારી કામગીરીનો સ્થળ પર લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...