આક્ષેપ:લીંબડી તાલુકાના બળોલ ગામે નરેગાના કામમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ ગેરરીતિ કર્યાની રાવ

લીંબડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના બળોલ ગામે નરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામના લાભુભાઈ પળોલીયાએ લગાવી કલેક્ટર, ડીડીઓને લેખિત ફરિયાદ કરી કામમાં થયેલી ગેરરીતિની તપાસ કરવા રજૂઆત કરી હતી. લેખિત ફરિયાદમાં સરપંચ, ઉપ સરપંચ, ગ્રામ પં.ના સભ્યો, શારીરિક અને માનસિક અસક્ત, રાજકોટ, અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોના ખાતામાં રાહતકાર્ય કર્યાં વગર બારોબાર પૈસા જમા થયા હોવાનો આક્ષેપ કર્યો છે.

બળોલ ગામે નરેગાનું રાહતકાર્ય કર્યાં વગર જે લોકોના બેંક ખાતામાં પૈસા જમા થયા છે તેવાં 24 લોકોનું નામ જોગ લીસ્ટ મોકલ્યું હતું. વ્યક્તિ કામમાં હાજર નહીં હોવા છતાં ખોટી હાજરી પુરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. 1 એપ્રિલથી 23 જુલાઈ સુધી નરેગાનું કામ રેકર્ડ ઉપર રજુ કરવામાં આવ્યું તે તદ્દન ખોટું બતાવ્યું હોવાનું, 100 દિવસ રોજગારીનું કામ 3 અઠવાડિયામાં સંકેલી લીધું હોવાનો દાવો કર્યો છે. બળોલ ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યોએ મનરેગા યોજના હેઠળ કૌભાંડ કરી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરી સ્થળ તપાસ કરવા રજૂઆત કરી હતી.

તપાસ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી જાગૃત નાગરિકે ઉચ્ચારી હતી.આ અંગે બળોલ ગામના સરપંચ સરોજબેન પરમાર અને ઉપસરપંચ કિરણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમારા પર થયેલા આક્ષેપો પાયાવિહોણા છે. જે વ્યક્તિએ આક્ષેપ કર્યો છે તેમણે ગામની જમીનમાં દબાણ કર્યું છે. જે દબાણ હટાવવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ વાતનું મનદુઃખ રાખીને તેઓએ અગાઉ પણ અમારાં ઉપર આક્ષેપો કર્યાં હતા. આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક લોકો અરજદાર સાથે મળીને ગંદુ રાજકારણ કરી રહ્યા હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...