લીંબડીના જાખણ-ખંભલાવ-ટોકરાળા ગામોમાંથી રેતી ચોર કરતા ભૂમાફિયાઓ તમામ હદ વટાવી ગયા છે. રેતી ચોરી કરી પોતાનું ઘર ભરવા રેત માફિયાઓએ ખેડૂતોની જીવાદોરી સમાન નદીમાં રહેલા કૂવા પણ ખોદી નાખ્યા છે. નદીમાં રેતી પાણીનો સંગ્રહ કરતી હોય છે. પરંતુ ભૂમાફિયા કૂવાની ચારેય બાજુથી રેતી કાઢી લઈને કૂવા ઉઘાડા કરી નાખે છે. જેના કારણે કૂવામાં પાણીના તળ નીચે ઉતરી જાય છે. કુવામાં પાણી નહીં સમાન રહેતા જગતનો તાત દયનીય સ્થિતિમાં મૂકાઈ ગયો છે.
ખુલ્લેઆમ રેતી ચોરનારા ભૂમાફિયાને તંત્ર હાથ પણ લગાવતું નહીં હોવાથી બિચારા ખેડૂતોને રેત માફિયાની દાદાગીરી સહન કરવી પડે છે. રેતી ચોરી કરી નદીનો પટ તળીયા ઝાટક કરનાર રેત માફિયાઓએ ગૌચર જમીન અને સરકારી ખરાબા પણ છોડ્યા નથી. થોડા સમય પહેલા રેતી ચોરવા ભૂમાફિયાએ ચોકી ગામે દલિત સમાજનું સ્મશાન ખોદી નાખ્યું હતું. સ્મશાનમાં દફનાવેલા માનવ કંકાલ બહાર આવી ગયા હતા. પૂર્વજોના માનવ કંકાલને શ્વાનો ખોરાક બનાવતાં દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી. દલિત સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ તંત્ર જાગ્યું હતું.
રેતી ચોરી કરનાર 3 ભૂમાફિયા સામે કરોડો રૂપિયાની રેતી ચોરીનો ગુનો નોંધ્યો હતો. રેતી ચોરી રોકવાની જવાબદારી સંભાળતા તંત્રના અધિકારીઓ આળસ ખંખેરીને જાખણ-ખંભલાવ-ટોકરાળા ગામોમાં થતી રેતી ચોરી બંધ કરાવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.