તપાસ:ઘરે આવવાની ના પાડતાં યુવકે મિત્રને માથામાં ધારિયાના 9 ઘા ઝીંકી દીધા

લીંબડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીંબડી તાલુકાના રળોલ ગામે હત્યા કરી આરોપી ફરાર

લીંબડી તાલુકાના રળોલ ગામે ઘરે આવવાની ના પાડતાં ઉશ્કેરાયેલા મિત્રએ ભાઈબંધના માથામાં ધારિયાના 9 ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. પાણશીણા પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી દીધી છે. લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતા દિનેશભાઈ ગફૂરભાઈ સાપરા અને બાબુ ઉર્ફે બાબુડીયો ટપુભાઈ બન્ને ગાઢ મિત્રો હતા. બાબુની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણેં છે.

બાબુ અવળી લાઈનનો હોવા છતાં દિનેશ તેની સાથે મિત્રતા રાખતો હતો તે દિનેશની પત્નીને ગમતી નહોતી. આ બાબતે દિનેશ અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. બન્નેની મિત્રતાથી કંટાળીને દિનેશની પત્ની પણ રિસામણેં ચાલી ગઈ હતી. છતાં પણ બાબુએ દિનેશના ઘરે અવર-જવર કરવાનું ચાલુ રાખ્યું હતું. દિનેશે બાબુને ઘરે નહીં આવવાનું કહીં છેલ્લા દોઢેક મહિનાથી તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.

આ બાબતનું મનદુઃખ રાખી વહેલી સવારે બાબુ ધારિયા જેવું તિક્ષ્ણ હથિયાર લઈ દિનેશના ઘરે આવી પહોંચ્યો હતો. બોલાચાલી કરી દિનેશના માથાના ભાગે ધારિયાના 9 ઘા ઝીંકી દઈ હત્યા કરી નાંખી હતી. દિનેશની હત્યા કરી બાબુ ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતાં પાણશીણા PSI આર.જે.જાડેજા, મહાવીરસિંહ ઝાલા સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દિનેશના મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલમાં ખસેડી ફરાર આરોપી બાબુ ઉર્ફે બાબુડીયાની શોધખોળ હાથ ધરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...