ફરિયાદ:ચુડા રબારી નેસમાં ગટરના પાણીનું વિતરણ થતું હોવાની રાવ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતના સદસ્યે સરપંચ, તલાટી કમ મંત્રીને લેખિત ફરિયાદ કરી

ચુડા જોરાવરપરા વિસ્તારમાં આવેલા રબારી નેસમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતું હોવાની રાવ ઉઠી છે. ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યે જ પોતાના વિસ્તારમાં સ્વચ્છ પાણીનું વિતરણ કરવા માટે સરપંચ અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી છે. ચુડા જોરાવરપરા વિસ્તારના વોર્ડ નંબર-15માં ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા ઉમેશભાઈ ડાયાભાઈ ખટાણાએ સરપંચ અને તલાટી કમ મંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મારા વોર્ડમાં જે પાણી આપવામાં આવે છે તે પહેલા 15થી 20 મિનિટ તો ડહોળું, ગટરનું ગંદુ અને દુર્ગંધવાળું આવે છે.

પાણીનો સંગ્રહ કરતો સંપ અને વિતરણ કરતી પાણીની ટાંકીની છેલ્લા કેટલાય સમયથી સફાઈ કરવામાં આવી નથી. તાત્કાલિક સફાઈ કરવામાં આવે તો જ શુદ્ધ પાણી આવી શકે તેમ છે. જે-જે જગ્યાએથી પાણીની લાઈન તૂટી ગઈ છે તે પણ તાત્કાલિક ધોરણે રિપેર કરવો આ તૂટેલી પાણીની લાઈનમાં જ ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ જાય છે. જે લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. સાથો-સાથ વોર્ડ નં-15માં ગંદકી દૂર કરવા રોડના કામ શરૂ કરાવો. સ્વચ્છ પાણી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે ઉમેશભાઈ ખટાણાએ સરપંચ અને તલાટી કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...