ફરિયાદ:ભથાણમાં બાળકોને પ્લાસ્ટિકના ચોખા અપાતા હોવાની રાવ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ શાળાએ દોડી આવી રોષ વ્યક્ત કર્યો

લીંબડી તાલુકાના ભથાણ ગામે બાળકોને પ્લાસ્ટિકના ચોખાનું વિતરણ કરાયાની રાવ ઉઠી છે. વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. પ્રાથમિક શાળાનો ઘેરાવો કરી રોષ વ્યક્ત કર્યો હતો. પ્લાસ્ટિકના ચોખાની વાતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

કોરોનાને કારણે પ્રાથમિક શાળામાં મ.ભ.યોજના થકી અપાતી ભોજન વ્યવસ્થા બંધ છે. સરકાર દ્વારા ધો.1થી 5ના છાત્રોને 50-50 ગ્રામ ઘંઉ અને ચોખા અને ધો.6થી 8ના વિદ્યાર્થીઓને 75-75 ગ્રામ ચોખા, ઘઉં આપવામાં આવે છે. લીંબડી તાલુકાના અંતરિયાળ ભથાણ ગામે બાળકોને આપવામાં આવેલા ચોખા પ્લાસ્ટિકના હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. બાળકોને ચાઈનીઝ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવી રોષ ઠાલવ્યો હતો. બાળકોના આરોગ્ય સાથે ચેડા થવાનો ભય વ્યક્ત કર્યો હતો. વાલીઓએ લીંબડી પુરવઠા વિભાગના મામલતદારને ટેલિફોનિક ફરિયાદ પણ કરી હતી.

પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા છે
લીંબડી મામલતદાર દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરાઈ છે. ભથાણ ગામના વાલીઓને ચોખા બાબતે થયેલી ગેરસમજ દૂર કરાઈ છે. બાળકોમાં પોષણની ખામીને દૂર કરવા માટે સરકાર દ્વારા ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરાયું છે. ફોર્ટિફાઈડ ચોખા આરોગવાથી બાળકોમાં વિટામિનની ઉણપ દૂર થશે. ભારતના ફ્રૂડ સેફ્ટી સ્ટાન્ડડર્સે ફોર્ટિફાઈડ ચોખાને મંજૂરી આપી છે. > ભાવનાબા ઝાલા,જિલ્લા પુરવઠા અધિકારી

અન્ય સમાચારો પણ છે...