કામગીરી:લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામે 24 કલાક બાદ વીજ પુરવઠો શરૂ કરાયો

લીંબડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ ચેકિંગ કરી રહેલા PGVCL કર્મીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો

લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામે PGVCLની ટીમોએ વીજ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. ત્યારે 6થી 7 લોકો ભેગા મળીને પાટડી પે.વી.કચેરીના જુ.ઈજનેર પરેશ પ્રજાપતિની કાર ઉપર પથ્થરમારો કર્યો હતો. કારના કાચ તોડી જાન હાનિ કરવાની કોશિશ કરી હતી. ભયભીત બનેલા વીજ કર્મીઓ ગામ બહાર નીકળી રહ્યા હતા.

ત્યારે ઘાઘરેટિયા ગામના સરપંચ વસંતબેનના પતિ પાંચા ગોસલીયાએ મને પૂછ્યા વગર ગામમાં કેમ આવ્યા? મને પૂછ્યા વગર ગામમાં આવ્યા તો હમણાં જે બનાવ બન્યો તે ફરીવાર પણ બનશે તેવી વીજ કર્મીને ધમકી આપી 20 જેટલા ટોળામાં સામેલ લોકોએ વાહનો રોકી વીજ કર્મીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. લીંબડી ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના ડેપ્યુટી ઈજનેર એચ.એમ.સુતરીયાએ સરપંચના પતિ સહિત 20 જેટલા ટોળામાં સામેલ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તા.4 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે ઘાઘરેટીયા ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

સરપંચના પતિ પાંચા ગોસલીયા સહિત અન્ય એક શખસની પોલીસે ધરપકડ કરી લીધી છે. લીંબડી ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના ડે.ઈજનેર એચ.એય.સુતરીયા, જુ.ઈજનેર વી.એન.ચુડાસમા સહિત પીજીવીસીએલની 3 ટીમ દ્વારા તા.5 જાન્યુઆરીએ ઘાઘરેટિયા ગામે નિયમિત વીજ બિલ ભરતાં ગ્રાહકોની સગવડતાને ધ્યાને રાખી તથા વીજ ચોરી અટકાવવા ગામના તમામ 73 એલટી વીજ પોલ સિલ પ્રૂફ કરી દેવામાં આવ્યા હતા. 24 કલાક બાદ ઘાઘરેટિયા ગામનો વીજ પુરવઠો ફરી કાર્યરત કરી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...