લીંબડી પીજીવીસીએલના અધિકારીઓ, કર્મીઓએ વીજળીના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી કંપની વહીવટ સંભાળે તો વીજળીનો ભાવવધારો કરી ગ્રાહકો માથે ભારણ વધારવાની અને વીજ કર્મીઓની નોકરી જોખમમાં મુકાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિકસિટી એમ્પ્લોઈઝ એન્જિનિયર્સના આદેશ મુજબ દેશમાં ઈલેક્ટ્રિકસિટી એક્ટ-2003ના સુધારા બિલ-2021નો વિરોધ કરવા વીજકર્મીઓ અને એન્જિનિયર્સને હાંકલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે લીંબડી પીજીવીસીએલની ડિવિઝન કચેરીમાં ડે.ઈજનેર જી.આર.પટેલ, પ્રતિપાલસિંહ ઝાલા સહિતના વીજ કર્મચારીઓએ ઓફિસના દરવાજા બહાર વીજળીનું ખાનગીકરણ રોકવા બાબતે સૂત્રોચ્ચાર કર્યાં હતા.
આ અંગે ના. ઈજનેર ગોપાલ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કેટલાક સમયથી વીજળીના ખાનગીકરણ કરવા હિલચાલ થઈ રહી છે. ખાનગી કંપનીના હાથમાં વીજળી વિભાગ આવી જાય તો તેઓ ગ્રાહકો પાસે મનફાવે તેવા ભાવની વસૂલાત કરશે. સાથે જ વીજકર્મીઓને છુટ્ટા કરે કે ઓછા વેતને કામ કરવા મજબૂર કરી શકે છે. વીજકર્મીઓ સાથે મનફાવે તેવું વર્તન કરશે તેવી પણ આશંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.