ભાસ્કર ઈમ્પેક્ટ:લીંબડીના બોડિયા ગામમાં મામલતદારે દરોડા પાડી રેતીના 2 વોશ પ્લાન્ટ ઝડપ્યા

લીંબડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘દિવ્ય ભાસ્કર’ના ગ્રાઉન્ડ રિપોર્ટ પછી રેતીચોરીનું સત્ય બહાર આવ્યું: પ્રાંત અધિકારી

લીંબડી હાઈવે રોડ પર આવેલા બોડિયા ગામના ભોગાવા નદીમાં પંથકના ભૂમાફિયાઓ બેફામ બનીને રેતી ચોરીનો કાળો કારોબાર બેરોકટોક ચાલવી રહ્યા હતા. બોડીયામાં 3 વોશ પ્લાન્ટને મંજૂરી હોવા છતાં 6 વોશ પ્લાન્ટોમાંથી રેતી ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો. અમદાવાદ-રાજકોટ ને.હાઈવેથી બોડિયાની ભોગાવા નદી 1 કિમી દૂર હોવા છતાં રેતી ચોરી થતી હતી. રેતી માફિયા ભોગાવા નદીમાં ચોરી કરી ગામની બજારમાં ડમ્પર, ટ્રક સહિત વાહનો ચલાવી ઘાક જમાવવાની કોશિશ કરી રહ્યા હતા. રેતી ચોરી બંધ કરાવવા મામલતદાર, ખાણ ખનીજ સહિત વિભાગોમાં કરેલી અરજીને ન્યાય નહીં મળતાં ગ્રામજનોએ દિવ્યભાસ્કરનો સંપર્ક કરી પોતાની આપ વીતી જણાવી હતી.

દિવ્ય ભાસ્કરે બોડિયાના ભોગાવા થતી રેતી ચોરી, ગેરકાયદે વોશ પ્લાન્ટ અંગેના સમાચાર પ્રકાશિત કર્યા હતા. ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીની સૂચના હેઠળ મામલતદાર જે.આર.ગોહેલ ટીમ સાથે બોડિયા ગામે દોડી ગયા હતા. મામલતદાર પહોંચતાં જ કહેવાતા માથાભારે રેતી માફિયા ઊભી પૂંછડીએ ભાગી છૂટયા હતા. મામલતદારે ગેરકાયદેસર ચાલતા 2 વોશ પ્લાન્ટો અને 50 ટન જેટલી રેતીનો જથ્થો સીઝ કર્યો હતો. જોકે રેતી ચોરી અને વોશ પ્લાન્ટો કોણ ચલાવતું હતું તે હજુ સુધી બહાર આવી શકયું નથી.

મામલતદારને તપાસની સૂચના આપી હતી
દિવ્ય ભાસ્કરે બોડિયાના ભોગાવા નદીમાં જઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કરી પ્રકાશિત કરેલા સમાચાર બાદ ત્યાં થતી રેતી ચોરી, ગેરકાયદે ચાલતા વોશ પ્લાન્ટો અંગે જાણ થઈ હતી. મામલતદારને સૂચના આપી સ્થળ તપાસ કરવા જણાવ્યું હતું. મામલતદારે સ્થળ તપાસમાં કરી હતી. રેતી ચોરીમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર શખસોને શોધી કઢાશે. > એચ.એમ.સોલંકી, પ્રાંત અધિકારી લીંબડી

અન્ય સમાચારો પણ છે...