તપાસની માંગ:લીંબડીના જનસાળીના સરપંચે 4.94 લાખની ઉચાપત કર્યાંની રાવ, કાગળ પર રોડ બનાવી નાણા પાસ કરાવ્યા

લીંબડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોડ બનાવ્યા વિના પૈસા ચાંઉ કર્યાં, RTI પછી રોડનું કામ શરૂ કર્યું, બીલ પાસ કરનાર સામે તપાસની માંગ

લીંબડી તાલુકાના જનસાળીના સરપંચે સી.સી રોડના કામમાં 4.94 લાખની ઉચાપત કર્યાંની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવી છે. કાગળ ઉપર બનેલ રોડના બીલમાં સહિ કરી ખિચ્ચા ભરનાર અધિકારીઓના પગ નીચે પણ રેલો આવવાની સંભાવના છે. સરપંચને આરટીઆઈની જાણ થતા ચાંઉ કરેલા પૈસાનો રોડ બનાવવાની શરૂઆત કરી છે.

લીંબડી તાલુકાના જનસાળી ગ્રામ પંચાયત સભ્ય ટપુભાઈ છોટીયા અને ફુલીબેન જાદવે સરપંચ વિજય ચંદુભાઈ સોલંકી વિરુદ્ધ 4,94,674 રૂ.ની ઉચાપત કર્યાંનો આક્ષેપ કરી મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કલેકટર સુધી ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. તા.15 ઓગસ્ટ 2018 સ્વતંત્રદીન રાજ્યકક્ષાની ઉજવણી જોગવાઈમાંથી જનસાળી ગામે મંદિરથી જુના તળાવ સુધીનો સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. તા.8 માર્ચ 19 વર્ક ઓર્ડર આપી 6 માસમાં સીસી રોડનું કામ પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી. સરપંચ વિજય સોલંકીએ રોડ બનાવ્યા વગર સિમેન્ટ, કપચી, લેબર સહિતના ખોટા બીલ મૂકી મંજૂર કરાવી 4.94 લાખની ઉચાપત કરી લીધી હતી. જે અંગેની જાણ થતા ગ્રામ પંચાયતના સભ્ય ટપુભાઈ છોટીયાએ આરટીઆઈ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

તા.27 મેના રોજ ટપુભાઈએ કામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગાંધીનગર વિકાસ કમિશ્નરને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી હતી. આરટીઆઈની જાણ થતા પોતે આચરેલા ભ્રષ્ટાચારને છૂપાવવા સરપંચે તા.28 મે 20ના રોજ સીસી રોડનું કામ શરૂ કરી દીધું છે. એક વર્ષ પહેલા કાગળ ઉપર રોડ બનાવનાર સરપંચ, તલાટી અને બીલ પાસ કરનાર તમામ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધવા રાવ કરવામાં આવતા લીંબડી તા.પંચાયતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

ભ્રષ્ટાચાર છુપાવવા માટે સરપંચે રોડનું કામ શરૂ કરાવ્યું હતું

ગુનો દાખલ થવો જોઈએ
સી.સી રોડ બન્યો જ નહોતો છતાં અધિક મદદનીશ ઈજનેર અને પંચાયત મ અને મા પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર લીંબડીના દ્વારા રોડ બની ગયાનું પ્રમાણપત્ર કેવી રીતે આપી દેવાયું? તેમણે કેટલા રૂપિયા ખાધા? સી.સી રોડ કાગળ પર દેખાડી ભ્રષ્ટાચાર કરનાર તમામ સામે ગુનો નોંધાય તેવી મારી માંગ છે.- ટપુભાઈ છોટીયા, ગ્રામ પંચાયત સદસ્ય

તલાટીની સહી પછી પૈસા ઉપડ્યા  
કોઈપણ ગામમાં વિકાસનું કામ થાય તે તલાટીની દેખરેખ નીચે થતું હોય છે. અમારી જાણકારીમાં જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે અમે તલાટીને વાત કરી હતી. સરકાર દ્વારા ઘડાયેલા નિયમ મુજબ તલાટીની સહિ વગર એક રૂપિયો પણ ઉપડી શક્તો નથી. રોડનું કામ થયું ન હોવા છતાં તલાટીની સહિ પછી જ પૈસા ઉપડ્યા હતા. 
- ફુલીબેન જાદવ, ગ્રામ પંચાયત સભ્ય

અન્ય સમાચારો પણ છે...