હાલાકી:લીંબડી-બોડિયા હાઈવે પર કેમિકલ વેસ્ટ ઠલવાતાં દુર્ગંધથી રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ

લીંબડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડિયા ગામ નજીક કેમિકલ વેસ્ટ ઠલવાતા રોગચાળાની દહેશત. - Divya Bhaskar
બોડિયા ગામ નજીક કેમિકલ વેસ્ટ ઠલવાતા રોગચાળાની દહેશત.
  • બોડિયાથી રેતીનું ગેરકાયદે વહન કરાતું હોવાની રાવ તો ઊઠી જ છે હવે

લીંબડી-બોડિયા હાઈવે પર કેમિકલ વેસ્ટ ઠલવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેમિકલ વેસ્ટ ઠાલવી બોડીયા ગામથી રેતીનું ગેરકાયદેસર વહન થતું હોવાની રાવ ઉઠી રહી છે. બોડિયાના ગ્રામજનોએ કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે. કેમિકલ વેસ્ટના ડરથી પશુપાલકો માલઢોરને ચરાવવા જતાં પણ ફફડી રહ્યા છે. લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર બોડિયા ગામ નજીક કેમિકલ વેસ્ટનો જથ્થો ઠાલવી દેતાં લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.

બોડિયા ગામ કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાનું ફેવરિટ સ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા પણ બોડિયાના તળાવમાં કેમિકલ વેસ્ટ ઠલવી દેવામાં આવ્યું હતું. બોડિયા ગામ નજીક જ કેમિકલ વેસ્ટ ઠાલવવા પાછળનું કારણ જાણવું અતિ જરૂરી બની ગયું હતું. કારણ જાણવા દિવ્ય ભાસ્કરે બોડિયાના ગ્રામજનો સાથે વાત કરી ત્યારે ગામના એક વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું બોડિયા ગામ નજીક કેમિકલ વેસ્ટ ઠાલવી ભોગાવા નદીમાં થતું ગેરકાયદેસર રેતીનું વહન કરી અજાણ્યા શખસો જતાં રહે છે.

ગામની નદીમાં થતું રેતીનું ખનન બંધ કરાવવામાં આવે તો બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે. કેમિકલ વેસ્ટની દુર્ગંધના કારણે રસ્તા પર પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ગ્રામજનોએ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે. પશુ ચરાવવા જતાં પશુપાલકો ફફડી રહ્યા છે.

આર્થિક લાભ ખાટવા કેમિકલ વેસ્ટ નાંખી પશુઓ અને લોકોની જીંદગી જોખમમાં મૂકનાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી. જો કે આંખે નિંદ્રાધીન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ઘટના અંગે કશી જાણકારી હોય તેવું દેખાઈ રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...