જાહેરનામાનો ભંગ:લીંબડીમાં રાત્રે ડમ્પરોમાં રેતીનું વહન થાય છે

લીંબડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક કલેક્ટરના સાંજે 6થી સવારે 6 સુધી હેરાફેરીના પ્રતિબંધનું ઉલ્લંઘન

અધિક જિલ્લા કલેક્ટરે રેતી ચોરી, ઘર્ષણ અને અકસ્માતો અટકાવવા સાંજે 6થી સવારે 6 વાગ્યા સુધી રેતીના વહન પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ લીંબડી પોલીસની રહેમ નજર કે મીલી ભગતનો લાભ લઈને પંથકના ભૂમાફિયા રાત્રે ડમ્પરો ભરી-ભરીને રેતીનું વહન કરી અ.જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની ઐસી કી તૈસી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો લીંબડીના મુખ્ય માર્ગ પર નજરે પડ્યા છે. અધિક કલેક્ટરના આદેશનું પાલન નહીં કરવી શકનાર પોલીસ જનતાની રક્ષા કેવી રીતે કરશે?

લીંબડી અને ચુડા તાલુકાના નવી-જૂની મોરવાડ, ઉઘલ, બોડિયા, લીયાદ, સૌકા, ઉંટડી, ચોકી, ચોરણીયા, જાખણ, ખંભલાવ, પાણશીણા સહિત ગામોથી પસાર થતી ભોગાવા નદીમાં તંત્રની મીઠી નજર હેઠળ પંથકના ભૂમાફિયા ગે.કા. વોશ પ્લાન્ટો ઊભા કરી, રેતી ચોરી કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. તેમ છતાં રેતી ચોરી અટકાવવાની જવાબદારી સોંપાયેલ તંત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું છે.

રાત્રે રાત્રે રેતી ચોરી, ઘર્ષણ અને અકસ્માતો અટકાવવા અ.જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ તા.20 નવેમ્બરે જાહેરનામું બહાર પાડી તા.28 નવેમ્બર સુધી સાંજે 6થી સવારે 6 વાગ્યા સુધી રેતીના વહન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જાહેરનામાનાં ભંગ કરનાર કે કરાવનારને માસ સુધીની કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં પણ લીંબડીમાં બેફામ રીતે રાત્રે રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે.

લીંબડી હાઈવેથી શહેરના રસ્તા પર પસાર થઈ રાણપુર અને ધંધુકા જતા માર્ગો ઉપર રાત્રે 70થી વધુ રેતી ભરેલા ડમ્પરો કોઈપણ પ્રકારની રૂકાવટ વગર નીકળી રહ્યા છે. લીંબડીમાં ડીવાય.એસપી, એસપીઆઈ કચેરીઓ હોવા છતાં પણ પંથકના રેતી માફિયા રાત્રે રેતીની હેરાફેરી કરી અધિક કલેક્ટરના જાહેરનામાને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની મીલી ભગત વગર રાત્રે રેતીની હેરાફેરી કરવી મુશ્કેલ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાની ઐસી કી તૈસી કરનાર રેતી માફિયાઓનો ભય લીંબડી-ચુડા પંથકમાં વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...