તસ્કરી:લીંબડીમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા દુકાનમાંથી 20 ડ્રેસ ઉઠાવી ગયા

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.8થી 10 હજારની ચોરીને લઈ વેપારીએ ફરિયાદ કરવાનું ટાળ્યું

લીંબડીની મહાકાળી મંદિરવાળી બજારમાં કાપડની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી ગઠીયા 20 ડ્રેસની ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા. ઘટના અંગે વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. લીંબડી શહેરની સંઘાડીયા બજારમાં આવેલી ઉમૈયા સાડી સેન્ટરમાં અજાણ્યા મહિલા-પુરુષ ગ્રાહકના સ્વાંગમાં કપડાની ખરીદી કરવા આવ્યા હતા. વેપારીને લેડીઝ ટોપ અને ચોયણી બતાવવા કહ્યું હતું. વેપારી કપડા બતાવી રહ્યા હતા તે સમયે પુરૂષ ઉભો થઈ સાડીઓ જોવા લાગ્યો હતો. પછી 2થી 3 જોડી કપડા પસંદ કરી એટીએમમાં જઈ પૈસા લેતા આવી તેમ કહી બન્ને ત્યાંથી છટકી ગયા હતા. ઘણીવાર થવા છતા ગ્રાહકો પાછાં નહીં ફરતા વેપારીએ કપડાને જગ્યાએ ગોઠવવાનું શરૂ કર્યું ત્યારે તેમની નજર પડી તો ખ્યાલ આવ્યો કે થોકડી મારીને રાખેલા 20 ડ્રેસ ગુમ થઈ ગયા છે.

આ અંગે વેપારી કાનજીભાઈ ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાતોમાં ભોળવી ગઠીયા અને નજર ચૂકવી ગઠીયા ક્યારે ડ્રેસ લઈ ભાગી ગયા તે હું સમજી શક્યો નહીં. મહિલા અને પુરુષ સિવાય અન્ય 2 વ્યક્તિ તેમના માણસો હતા કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પણ તેઓ જે રિક્ષામાં બેસી ચાલ્યા ગયા તે રિક્ષા ચાલક કદાચ ચોરીમાં સામેલ હોવો જોઈએ. જો કે રૂ.8થી 10 હજારના માલની ચોરી થઈ છે એટલે પોલીસ ફરિયાદ લખાવી નથી.

અન્ય સમાચારો પણ છે...