રજૂઆત:કોરડાના સરપંચ અને તલાટી સામે ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા, ગ્રામજનોની TDOને આવેદન આપી કાર્યવાહીની માંગ

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી આવતી હોવાથી સરપંચને બદનામ કરવાની કોશિશ છે

ચુડા તાલુકાના કોરડા ગામના સહદેવસિંહ લાલુભા ઝાલાએ ગામના સરપંચ અને તલાટી દ્વારા સ્ટ્રીટ લાઈટો, વાળીબાના મકાનથી સમઢીયાળાના માર્ગ સુધીના રોડ અને શૌચાલયના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની રાવ કરી ટીડીઓ, ડીડીઓ, વિજીલન્સ અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી તપાસની માંગ કરી હતી.

કોરડા ગામના ઉપસરપંચ લાભુબેન કરશનભાઈ, જેરામભાઈ લીંબડીયા, મંજુબેન ઉકડીયા, ઓધવભાઈ શેખ સહિતના ગ્રામજનો તાલુકા પંચાયત કચેરીએ દોડી આવ્યા હતા. ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી કે કોરડાના સરપંચ સુરેશભાઈ લીંબડીયા વિરુદ્ધ સહદેવસિંહ ઝાલાએ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે. કોરડા ગામે સ્ટ્રીટ લાઈટનું કે વાળીબાના મકાનથી સમઢીયાળાના માર્ગ સુધી સીસી રોડના કામો થયા જ નથી તે તેમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થઈ શકે છે. શૌચાલયના કામોમાં ભ્રષ્ટાચાર અંગે તેમણે જણાવ્યું હતું કે શૌચાલયના કામો જે-તે MOU કરેલ પાર્ટીએ કર્યાં છે. તેમાં સરપંચ-તલાટી કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકે છે. 20 વર્ષોમાં જે કામો નથી થયા એટલા વિકાસના કામ સરપંચ અને ચાલુ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે. ચૂંટણી આવતી હોવાથી અમુક લે-ભાગુ તત્વો દુષ પ્રચાર કરી સરપંચને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. આવા લે-ભાગુ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અરજદાર અને પંચાયતના સભ્યોએ સામસામે કરેલી રજૂઆતો અને તપાસની માંગને લઈ નવી-જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...