અકસ્માત:લીંબડી ચુડા તાલુકામાં 3 અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી અને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ 3 અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં 2 વ્યક્તિના મોત અને 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર 3 વાહનના ચાલકો ફરાર થઈ ગયા હતા.

લીંબડીના બોરણા ગામના અજીતસિંહ ચંદુભા રાઠોડ ધંધુકા રોડ પર તળાવ પાસે આવેલા વારાહી ભવાની માતાજીના મંદિરે પત્ની અને 7 વર્ષના પુત્ર જયવિર સાથે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી અજીતસિંહ તેમના કૌટુંબિક સગા સાથે મંદિર બહાર બેઠા હતા. પુત્ર જયવિર રમી રહ્યો હતો ત્યારે લીંબડી તરફથી પુરપાટ ઝડપે આવતી કારે જયવિરને અડફેટે લીધો હતો. 7 વર્ષનો જયવિર કાર સાથે અથડાઈ 10 ફૂટ દૂર ફેંકાઈ ગયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો હતો. ઘવાયેલા જયવિરને સારવાર અર્થે પહેલા લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન જયવિરનું મોત થયું હતું.

સુરેન્દ્રનગર ભારતપરા શાળા ન.12ની ગલીમાં રહેતા અજયભાઈ રાજુભાઈ વાળા પિતા રાજુભાઈ લાલજીભાઈ, માતા સજ્જનબેન, બહેન નિલમ, ભાઈ રોહિત અને ભાભુ જયાબેન નાગજીભાઈ સાથે રીક્ષા લઈ બોટાદ જિલ્લાના વતન અળવ ગામે જઈ રહ્યા હતા. લીંબડી-અંકેવાળીયા રોડ પર સામેથી આવતી કારના ચાલકે ગફલત ભરી રીતે હંકારી કાવુ મારીને અજયભાઈની રીક્ષાને ટક્કર મારી હતી. રિક્ષા રોડ નીચે ઉતરી ગઈ હતી. રિક્ષામાં સવાર તમામને નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો. ચુડા તાલુકાના ભેંસજાળ ગામના મહેશભાઈ સાપરા અને મુકેશ ઘુધાભાઈ મકવાણા બાઈક લઈને ધારપીપળા ગયા હતા. ધારપીપળા અને ચાચકા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટયો હતો. અકસ્માતમાં ઘવાયેલા મહેશ અને મુકેશને સારવાર માટે પહેલા ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન મહેશભાઈ સાપરાનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...