સરપંચનું અલ્ટિમેટમ:ઢાંકી ગામને પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી આપવાની માગણી સાથે આજથી ગામલોકોનું ઉપવાસ આંદોલન

લખતર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
NC 26 પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી આપવાના આદેશનું પાલન થતું નથી. - Divya Bhaskar
NC 26 પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી આપવાના આદેશનું પાલન થતું નથી.
  • મંત્રીનો આદેશ, સરપંચનું અલ્ટિમેટમ છતાં તંત્રે કોઈ કાર્યવાહી કરી નહીં

લખતર તાલુકાના ઢાંકી ગામને ગામની નજીક આવેલા પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી આપવાની માગ સરપંચ દ્વારા કરવામાં આવી છે. તેમજ મંત્રીએ પણ તંત્રને આદેશ કરી દીધો છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે તા.9 જૂનથી ગ્રામ પંચાયત, ગામનાં લોકો ઉપવાસ આંદોલન છેડશે.

લખતર તાલુકામથકથી 15 કીમી દૂર ઢાંકી ગામ આવેલું છે. તે ગામને વિઠ્ઠલગઢથી પાણી મળતું હોય ઢાંકી છેવાડાનું ગામ હોવાથી પૂરતું પાણી મળતું નથી. ગામને મહિને પાંચેક વાર પણ માંડ પાણી મળે છે. તેના કારણે તાલુકા પંચાયતનાં સા.ન્યા.સમિતિ ચેરમેન મધુબેન મકવાણા તેમજ ગામનાં સરપંચ પી.બી.મકવાણાએ પાણી પુરવઠા મંત્રીને ગામની નજીક આવેલા પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી પૂરું પાડવા રજૂઆત કરી હતી. તેના પગલે મંત્રી દ્વારા તા.22-4-22ના રોજ ઢાંકી ગામને NC 26 પંપીંગ સ્ટેશનમાંથી પીવાનું પાણી આપવા માટેનો આદેશ કર્યો છે.

તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ઢાંકી ગ્રામ પંચાયત દ્વારા તા.30-5-22ના રોજ લખતર મામલતદારને આવેદનપત્ર આપી જો તા.8 જૂન સુધીમાં કામગીરી શરૂ નહીં થાય તો તા.9 જૂનથી NC 26 સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હજુ સુધી કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા તા.9 જૂનથી સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો પોતાની માંગ સાથે NC 26 પમ્પિંગ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન છેડનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે ઢાંકી ગામનાં સરપંચ પ્રભુભાઈ મકવાણાએ જણાવ્યું કે પાણી પુરવઠાના મંત્રીનો આદેશ, ગ્રામજનોની રજૂઆત અને આંદોલનનું અલ્ટિમેટમ હોવા છતાં તંત્રના અધિકારીઓનાં પેટનું પાણી હલતું નથી. અને આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી ગ્રામજનો સહિત અમે ઉપવાસ આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે...