લખતર તાલુકાના ઢાંકી ગામમાં યોજાયેલી ગ્રામસભામાં સરપંચે તથા ગ્રામજનોએ સાથે મળી એક અનોખી પહેલ કરી છે. ગ્રામસભામાં સર્વાનુમતે વ્યસનના દુષણો દૂર કરવા અંગે રજૂઆત થતાં સર્વે એ મળી નિર્ણય લઈ એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
હાલમાં ગામે ગામ મોટાભાગના લોકો જુદા જુદા વ્યસનોને આધીન એટલે કે વ્યસનની લતનો ભોગ બનેલા જોઈ શકાય છે. ત્યારે લખતર તાલુકાનાં ઢાંકી ગામનાં યુવા સરપંચ દ્વારા ગ્રામસભામાં અનોખી પહેલ કરી અન્ય ગ્રામ પંચાયતો માટે એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તા.1-1-23ને રવિવારના રોજ સાંજે તાલુકાનાં ઢાંકી ગામે સરપંચ પ્રભુભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચે અધ્યક્ષસ્થાનેથી આપણું ગામ વ્યસન મુક્ત ગામ અભિયાન અંતર્ગત દારૂ, બીડી, સિગારેટ, ગુટખા વિગેરે સદંતર બંધ કરવા અંગે ગ્રામસભામાં રજૂઆત કરી હતી. જેને ગ્રામજનોએ સમર્થન આપતા સર્વાનુમતે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તો ગ્રામસભામાં નરેગા યોજના, રોડ-લાઈટ, પાણી, ગટર, ખેતી સહિતના વિષયો ઉપર ચર્ચા થઈ અને ઠરાવો પસાર થયા હતા.
આ ગ્રામસભામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ, ઢાંકી ગામની ગ્રામસભા એ અનેક ગામોને આવા ઉમદા વિચારોને અનુસરવા પ્રેરણા પૂરી પાડી છે. ઢાંકીના સરપંચ પ્રભુભાઈ મકવાણો જણાવ્યું કે, વ્યસનોને કારણે અને ખાસ કરીને દારૂના વ્યસનના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર હાનિકારક અસર થાય છે. જેને લઇને અમે આપણું ગામ, વ્યસનમુક્ત ગામ અભિયાન છેલ્લા થોડા સમયથી શરૂ કર્યું છે. ત્યારે આજે ગ્રામસભામાં મે દારૂ, બીડી, સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે આ તમામ બંધ કરવા રજૂઆત કરી હતી. જેને ઉપસ્થિત ગ્રામજનોએ સમર્થન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.