લખતર તાલુકાનાં લીલાપુર ગામ જતા વચ્ચે રેલવે દ્વારા અંડર પાસ બનાવવામાં આવેલુ છે. જ્યાં હાલમાં કમોસમી વરસાદના કારણે પણ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લખતર તાલુકામથકથી દસેક કી.મી. દૂર તાલુકાનું લીલાપુર ગામ આવેલું છે. લખતરથી લીલાપુર જતા વચ્ચે રેલવે દ્વારા અંડરપાસ બનાવવામાં આવેલો છે. લોકોને ફાટક બંધ હોય ત્યારે રાહ ન જોવી પડે તે આશયથી આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે. પરંતુ અંડરપાસ બનાવતા સમયે ચોમાસા સમયે અહીં પાણી ભરાતાં રસ્તો બંધ થઇ શકે છે.
તેવી વાતને કદાચ તંત્ર દ્વારા અવગણવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે હાલમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા આ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. વરસાદ બંધ થયાનાં બીજા દિવસ સુધી થોડા-થોડા પાણી અંડરપાસમાં રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો ખેડૂતોને પણ રોજબરોજ હાલાકી વેઠવી પડી હતી.
ત્યારે તંત્ર દ્વારા આ પાણીનાં નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો ઘાટ સર્જાયો છે. તો વાહનચાલકો અને રાહદારીઓ દ્વારા તંત્ર તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.