રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધાઓને લઇને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે લોકો માટે ઇમરજન્સી સુવિધા ગણાતી એવી ફાયર બ્રિગેડની સુવિધા જ સમગ્ર લખતર તાલુકામાં ઉપલબ્ધ નથી. ત્યારે તાલુકામાં જો ક્યાંય આગ લાગે ત્યારે જિલ્લામથકેથી ફાયર બ્રિગેડ બોલાવવું પડે છે. જેને આવતાં ક્યારેક વાર લાગે તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. તો તાલુકાને ફાયર બ્રિગેડની સુવિધા મળે તેવી લોકોની માંગણી છે.
ગુજરાતને વિકાસના મોડેલ રૂપ ગણાવીને રાજ્ય સરકાર દ્વારા જાહેરાતો પાછળ મસમોટા અને ખોટા ખર્ચાઓ કરાય છે. છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓમાં પરિસ્થિતિ કંઇક વિપરીત જ ઘાટ સર્જાયેલો છે. 43 ગામડા અને અંદાજે એકાદ લાખની વસ્તી ધરાવતા લખતર તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા જ નથી. જેથી તાલુકામાં ક્યાંય પણ આગ લાગવાના બનાવ બને તો લખતરથી 26 કિ.મી. દૂર સુરેન્દ્રનગરથી ફાયર બ્રિગેડ બોલાવવાનો વારો આવે છે. આટલા દૂરથી ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં આગ વિકરાળ બની જાનહાની સર્જે તેવી પણ સંભાવનાઓ રહેલી છે.
તાલુકામાં જ પ્રાથમિક અને ઇમરજન્સી ગણાતી સુવિધા જ ન હોય તો આ તે કેવો વિકાસ કહેવાય? તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને આગ લાગવાનાં બનાવો પણ બની રહ્યા છે. તેવામાં ફાયર બ્રિગેડની સુવિધા લખતર તાલુકામાં ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. તેથી તંત્રના અધિકારીઓ અને સરકાર આ અંગે યોગ્ય કાર્યવાહી તેવી લોકમાંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.