લખતર શહેરનાં બસ સ્ટેન્ડને બન્યા ત્રણેક વર્ષ થયા છે. જ્યારે તેની સંરક્ષણ દીવાલને તે સમયે ઊંચાઈ વધારી રિનોવેશન કરવામાં આવી હતી. આ દીવાલ ગઈ ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે તૂટી ગઈ હતી. તેને આજ દિન સુધી રિપેર ન કરાવાતા લોકોમાં કચવાટની લાગણી ફેલાયેલી છે.
લખતર ખાતેનું એસટી સ્ટેન્ડ ત્રણેક વર્ષ પહેલાં અંદાજિત 2 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું છે. આ સમયે તેની સંરક્ષણ દીવાલ નીચી હોઈ તેને ઊંચી કરી રિનોવેશન કરવામાં આવી હતી. આ સંરક્ષણ દીવાલનો થોડો ભાગ બેએક વરસ પહેલાં તૂટી ગયો હતો. જેને એસટી વિભાગે રિપેર કરાવી હતી. આ ભાગ રિપેર થયો અને બસ સ્ટેન્ડની સામેની દીવાલ ગઈ ચોમાસાની સિઝનમાં ધરાશાયી થઈ હતી. અને બાકીની દીવાલ ઝાડનાં થડની ઓથે ઊભેલી છે. આમ વરસ થવા આવ્યું હોવા છતાં આ દીવાલ જેમની તેમ જ છે.
આગામી ચોમાસામાં બાકીની તિરાડ પડેલી દીવાલ પડે તેની જાણે તંત્ર રાહ જોઈ ઊભુ તેવો ઘાટ સર્જાયેલો છે. આથી આ સંરક્ષણ દીવાલ ફરીને બનાવાય તેવી લોકોની માગણી છે. જેથી જૂની દીવાલ પડવાથી કોઈ અકસ્માત ન થાય. તંત્ર દ્વારા આગામી ચોમાસા પહેલા દીવાલનું કામ પૂર્ણ કરશે ખરું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.