લખતર તાલુકાના તલસાણા ગામે ત્રિદિવસીય શ્રી રામજી મંદિર તેમજ શક્તિ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. ગુરુ, શુક્ર અને શનિવાર એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા, ગૃહ હોમ આરતી તેમજ બીજા દિવસે સ્થાપિત દેવ પૂજન તેમજ અંતિમ દિવસ શનિવારે અભિજિત મુહૂર્તમાં પ્રતિષ્ઠા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શનિવારે ભારે પવન થતાં જમણવાર જે જગ્યાએ હતી ત્યાંનો મંડપ ઊડી જતાં નીચે પડ્યો હતો.
જ્યારે બીજી બાજુ જે જગ્યાએ હવન શરૂ હતો ત્યાં પવનની કોઈ અસર જ ન હોય તેમ એક ફૂલ પણ ત્યાં ઉડ્યું ન હતું. ત્યારે ગ્રામજનો આ બનાવને લઇને માતાજીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હોવાની વાતો કરતા સંભળાયા હતા. તે અંગેનો એક વીડિયો પણ ફરતો થયો હતો.
આ અંગે તલસાણા ગામના સરપંચ ઘોઘુભાએ જણાવ્યું કે શક્તિ માતાજીની પ્રતિષ્ઠાનો હવન ચાલુ હતો. તે દરમિયાન પવન ફૂંકાવો શરૂ થયો હતો, પરંતુ અચરજની વાત તો એ જોવા મળી કે ભોજન વ્યવસ્થા જ્યાં રાખવામાં આવેલા તે મંડપને સામાન્ય નુકસાન થયું હતું. પરંતુ જ્યાં માતાજીનો હવન ચાલુ હતો તે મંડપમાં વિધિવત હવનની કામગીરી ચાલુ રહેલ જોવા મળી હતી. આથી ગ્રામજનોએ આ ઘટનાને માતાજી ની કૃપા ગણી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.