લખતર તાલુકા પંચાયત ભવન અંદાજે ત્રણેક કરોડનાં ખર્ચે નવું બન્યું છે. જેનું લોકાર્પણ પણ આજથી ચારેક વર્ષ પહેલા કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાપંચાયતનો દરવાજો બિલ્ડીંગ બન્યું ત્યારથી બંધ હાલતમાં જ છે. આ દરવાજો જાણે માત્ર દેખાડા માટે જ બનાવ્યો હોય તેવો ઘાટ સર્જાયેલો છે. કારણ કે આ દરવાજો કોઈ દિવસ ખુલ્યો નથી. કારણ કે દરવાજાની એક બાજુ તાલુકા પંચાયત છે તો બીજી બાજુ પાણી નિકાલની નહેર આવેલી છે. ત્યારે તંત્ર દ્વારા ન તો નહેર ઉપર નાળું બનાવ્યું છે કે ન તો આ દરવાજો ખોલવા અન્ય કોઈ પગલાં લીધા છે. માત્ર આ દરવાજો શોભાનાં ગાંઠિયા સમાન હોય તેવો જ ભાસે છે.
એટલું જ નહીં બહારની સાઈડ પાણીની નિકાલ માટેની નહેર આવેલ હોવાથી ત્યાં ઉગેલા બાવળો પણ તાલુકાપંચાયતમાં ઘુસેલા હોય તેવું લાગે છે. નોંધનીય છે કે આ બાવળોને કારણે વાહન પાર્કિંગમાંથી નીકળતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. તો બજરંગપુરા, વણા સહિતના ગામોમાંથી આવતા લોકોને આ દરવાજેથી સરળતા પડે છે. તેમ છતાં દરવાજો શરૂ કરવા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
તો તાલુકા તેમજ જિલ્લાનાં અધિકારીઓ અનેકવાર તાલુકા પંચાયતની મુલાકાતે આવતા હોવા છતાં તેઓને પણ આ દરવાજો નહીં દેખાતો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.અત્રે ઉલ્લેખનીય ગણાશે કે હાલમાં જૂની પંચાયતનાં દરવાજામાંથી જ લોકો તાલુકા પંચાયતમાં પ્રવેશી રહ્યા છે. તેનું કારણ નવા બિલ્ડિંગ માટે બનાવેલ દરવાજામાંથી પસાર થવા માટે કાર્યવાહી જ કરવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.