અકસ્માત:બાઇક સ્લીપ થતાં આઇસરનો ચાલક ઊભો રહ્યો અને ટ્રકે અડફેટે લેતાં બંનેનાં મોત

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક સલીમભાઈ યુનુસભાઈ ભટ્ટી - Divya Bhaskar
મૃતક સલીમભાઈ યુનુસભાઈ ભટ્ટી
  • લખતર તાલુકાના ઓળક ગામ પાસે અકસ્માતમાં 2નાં મોત

લખતર તાલુકાનાં ઓળક ગામથી થોડે આગળ બુધવારની મધરાતે એક ટ્રકચાલકે રોડ પર રહેલા વ્યક્તિઓને ટક્કર મારતાં 2 યુવાનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. જ્યારે કલ્યાણપુરાથી ચોટીલા પગપાળા જતા 2 પદયાત્રી પણ આ અકસ્માતમાં ઘાયલ થયા હતા. વઢણવાણ રહેતો અને ટ્રક ચલાવતો યુવાન આઇસરમાં કંકુ ભરીને અંબાજી જતો હતો બાઇક સ્લીપ થઇ જતા પડી ગયેલા યુવાનની મદદ માટે આઇસર ઊભુ રાખીને નીચે ઉતર્યો હતો. ત્યારે ટ્રકે અડફેટે લેતા બંને યુવાનના મોત થયા હતા.

13-4-22ને બુધવારના રોજ મોડી રાત્રે આ હાઇ-વે પર ઓળક ગામની નજીક રોડ ઉપરથી બાઇક લઇ પસાર થતા નટવરગઢ લીંબડીના રાજેશભાઈ ઈશ્વરભાઈ રોજાસરા કોઈ કારણોસર રોડ ઉપર પડી ગયા હતા. તેઓને બચાવવા ત્યાંથી પસાર થતા મૂળ સાકર ગામના હાલ રહે સુડવેલ સોસાયટી વઢવાણના સલીમભાઈ યુનુસભાઈ ભટ્ટી ગયા હતા. તે દરમિયાન ટ્રકચાલકે બંનેને અડફેટે લેતાં બંનેના મોત નીપજ્યા હતાં. ચૈત્રી પૂનમ આવતી હોઈ પદયાત્રીઓ પગપાળા જતા હતા તેને પણ ટ્રકે ટક્કર મારતાં ઈજાઓ પહોંચી હતી.

પદયાત્રીઓ લખતરના કલ્યાણ પરા કોલાળાના સુખદેવ આત્મારામ વાટુકીયા, પ્રતાપ રમેશભાઇ વાટુકીયા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ લખતર પીએસઆઇ એમ.કે. ઈશરાણી સહિતની ટીમ પહોંચી ગઈ હતી. બંને લાશોને પોસ્ટ મોર્ટમ માટે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.

નાની બાળાઓએ પિતા ગુમાવ્યા
સલીમભાઈ રાજેશભાઇને મદદ કરવા જતાં ટ્રકે ટક્કર મારતાં મૃત્યુ પામ્યા હતા. સલીમભાઇનું મૃત્યુ થતાં તેઓની 3 વર્ષની સુહાના, 6 વર્ષની સોફિયા એમ 2 દીકરીએ તેમજ 18 વર્ષના પુત્ર નિઝામે પિતાની છત્રછાયા ગુમાવી.

લખતર-વિરમગામ હાઇ-વે ગોઝારો બન્યો
લખતર-વિરમગામ હાઇ-વે પર નાના-મોટા અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. વીસેક દિવસ પહેલા જ અમદાવાદના પરિવારને દેદાદરા હવનમાં જતાં સમયે આ હાઇ-વે પર અકસ્માત નડતાં 4નાં મોત નીપજ્યા હતા. ફરી એક વખત અકસ્માતમાં 2ના મોત નીપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...